આ તો બધા ખેડૂત પુત્રોનું અપમાન: ઉદ્ધવ ઠાકરેના નીચ વાળા નિવેદન પર એકનાથ શિંદેનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા નીચ તરીકે કરવામાં આવેલા ઉલ્લેખનો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ મને નીચ કહીને ગાળો આપી રહ્યા છે. જો એક ખેડૂતનો દીકરો, એક સામાન્ય મજૂર માણસ મુખ્ય પ્રધાન બને એ બાબત આ લોકો પચાવી શકતા નથી અને તેથી આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં અત્યારે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે વચ્ચે જે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે તેનો અદ્યતન અંક બુધવારે બુલઢાણામાં જોવા મળ્યો હતો. શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ‘નીચ’ ટિપ્પણી પર અત્યંત આક્રમક જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ હવે મને નીચ કહીને ગાળો આપી રહ્યા છે. વાસ્તવમાં એક ખેડૂતનો દીકરો, એક સામાન્ય મજૂર મુખ્ય પ્રધાન બન્યો તે આ લોકોને ગમ્યું નથી. તેઓ આ વાતને પચાવી શક્યા નથી.
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે ‘ગઈકાલે તેમણે (ઉદ્ધવ ઠાકરે)એ કહ્યું કે એકનાથ શિંદે નીચ છે. તમે મને નીચ કહીને ગાળો આપી રહ્યા છો. તમે જુઓ તો એમણે મારું અપમાન કર્યું નથી, આ તો બધા જ ખેડૂત પુત્રોનું અપમાન છે. આ ગરીબોની માતાઓ અને બહેનોનું અપમાન છે. જે સમાજમાંથી હું આવું છું તે સમાજના લોકો 26 એપ્રિલે મતદાન દ્વારા આનો જવાબ ચોક્કસ આપશે એની મને ખાતરી છે.
આપણ વાંચો: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
ઉદ્ધવ ઠાકરેએ ભાજપના સિનિયર નેતાઓની ધરપકડની યોજના બનાવી હતી એવું અગાઉ કહી ચૂકેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની સરકાર દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય કેટલાક ભાજપના નેતાઓની ધરપકડની યોજના ઘડી રહી હતી. જૂન-2022માં (ઉદ્ધવની સરકારના પતન પહેલાં) આશિષ શેલાર, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર અને ફડણવીસની ધરપકડનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. એમવીએ સરકારે ભાજપના વિધાનસભ્યોને ફોડવાની તૈયારીઓ કરી હતી અને ફડણવીસ સહિતના નેતા જેલમાં જાય તો આ શક્ય થવાનું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે જૂન-2022માં જ એકનાથ શિંદેએ બળવો કરીને ઉદ્ધવ સરકારનું પતન કરાવ્યું હતું.
શિંદેએ અગાઉના બે વર્ષની ઘટનાઓ યાદ કરતાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેનું સપનું મુખ્ય પ્રધાન બનવાનું હતું. મહાવિકાસ આઘાડીનું ગઠન એક પૂર્વ નિયોજિત પગલું હતું. પોતાના પિતાના પગલે ચાલીને કિંગમેકર બનવાને બદલે ઉદ્ધવ પોતે રાજા બનવા માગતા હતા.