મધ્ય રેલવેના ચાર સ્ટેશન પર મળશે આ સુવિધા, પ્રવાસીઓને થશે ફાયદો

મુંબઈ: પ્રવાસીઓની સુવિધા અને તેમના આરોગ્યની સલામતી માટે મધ્ય રેલવે અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બાર્ક) દ્વારા ચાર મહત્ત્વના રેલવે સ્ટેશન્સ પર 10 (સ્ટેટ-ઑફ-આર્ટ) વૉટર પ્યુરિફિકેશન યુનિટ બેસાડવામાં આવ્યા છે.
આ યુનિટ્સ અલ્ટ્રાફિલ્ટરેશન મેમ્બ્રેઇન આધારિત છે. મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય ટીળક ટર્મિનસ અને ડોકયાર્ડ રોડનો સમાવેશ થાય છે.
સીએસઆર (ર્કોપોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી)ના ભાગરૂપે વૉટર પ્યુરિફિકેશન યુનિટ પૂરા પાડ્યા છે અને તે પ્રવાસીઓના ઉપયોગ માટે ખુલ્લા પણ મૂકી દેવાયા હોવાની માહિતી તેમણે આપી હતી.
મધ્ય રેલવેના વિવિધ રેલવે સ્ટેશન પર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે પણ મધ્ય રેલવે પ્રશાસન દ્વારા વિવિધ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં જો વોટર પ્યુરિફિકેશન યુનિટ સફળ રહ્યા તો અન્ય સ્ટેશન પર પણ ઊભા કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સીએસઆર સાથેની મધ્ય રેલવેની આ ભાગીદારી મધ્ય રેલવેની પ્રવાસીઓની સુવિધા અને સલામતી પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રવિવારે મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે મૂકાયેલા યુનિટનું નિરીક્ષણ પણ કર્યું હતું.