હિંગોલીમાં ફરી આવી આ આફત, પ્રશાસન થઈ ગયું દોડતું
મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, પરિમાણે સ્થાનિક વહીવટી પ્રશાસન દોડતું થઈ ગયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએ) મુજબ ભૂકંપની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી અને તે જમીનના પાંચ કિમી નીચે કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું હતું.
આ અંગે એનસીએએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. એનસીએના જણાવ્યા મુજબ આજે સવારે 5.09 વાગ્યાના સુમારે હિંગોલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.5 હતી. અહીંયાથી ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી નીચે પાંચ કિલોમીટરની નીચે નોંધાયું હતું. આ ભૂકંપની તીવ્રતા સામાન્ય રહી હતી, પરંતુ સ્થાનિક પ્રશાસનની સાથે લોકોમાં ઉચાટ જોવા મળ્યો હતો.
આ અગાઉ હિંગોલી જિલ્લાના વસમત તાલુકામાં આવેલ પાંગરા (શિંદે) ગામમાં રવિવારે રાતના 12.04 વાગ્યાના સુમારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
ગયા શનિવાર 11 તારીખે દેશના પાટનગર દિલ્લીના ઉત્તર ભાગમાં બપોરે 3:30 વાગ્યાની આસપાસ 2.6 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એની સાથે 16મી નવેમ્બરે પણ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 40 કામદારોનું રેસક્યું મિશનના નજીકના વિસ્તારોમાં 3.1 તીવ્રતાના ભૂકંપની નોંધ કરવામાં આવી હતી.