થર્ટી ફર્સ્ટ નાઇટ:મુંબઈમાં 15,000થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્ત માટે તહેનાત
ગિરદીના સ્થળોએ કરાશે પેટ્રોલિંગ: ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે થર્ટી ફર્સ્ટની રાતે શહેરમાં ઠેકઠેકાણે રાતભર ચાલતી ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ શહેરમાં 15,000થી વધુ પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. શહેરમાં ગિરદીના સ્થળોએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાશે.
ગેટવે ઓફ ઇન્ડિયા, ગિરગામ ચોપાટી, દાદર, માહિમ, જુહુ, વર્સોવા, ગોરાઇ, મઢ અને માર્વે બીચ તથા 31 ડિસેમ્બરે રાતે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય એવા સ્થળોએ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 22 ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), 45 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી), 2,051 અધિકારી અને 11,500 કોન્સ્ટેબલો બંદોબસ્તમાં હાજર રહેશે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ ક્ધટ્રોલ ફોર્સ અને હોમગાર્ડસની પણ મદદ લેવામાં આવી છે.
પોલીસ દ્વારા ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવશે અને ગિરદીના સ્થળોએ પેટ્રોલિંગ કરવા તેમ જ ફિક્સ પોઇન્ટ નિમવામાં આવશે. દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જે બીજે દિવસે સવાર સુધી રહેશે. એ સિવાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
સાર્વજનિક સ્થળોએ ધીંગાણું મચાવનારા, મહિલાઓની છેડતી કરનારા, ગેરકાયદે દારૂ અને ડ્રગ્સ વેચનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. થર્ટી ફર્સ્ટની રાતે કોઇ પણ જાતની સમસ્યા નિર્માણ થાય તો નાગરિકોએ મદદ માટે 100 નંબર પર સંપર્ક કરી શકે છે.