મહારાષ્ટ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના થશે શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રનું બજેટ જાહેર થયું છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે, જેને કારણે સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે. બજેટમાં રાજ્યના શ્રદ્ધાળુ માટે પણ ઘણા સારા સમાચાર આપવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના માટે નિયમો તૈયાર કર્યા બાદ તેના માટે અલગથી ભંડોળ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો : Good News: મુંબઈમાં ઘર લેવાનું દરેકનું સપનું થશે સાકાર…
મુખ્ય પ્રધાને વિધાનસભામાં જણાવ્યું હતું કે ઘણા વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હોય છે. જે લોકો પૈસેટકે સુખી હોય છે, તેમના માટે તો કોઇ પ્રેબ્લેમ નથી હોતો, પણ રાજ્યમાં એવા ઘણા લોકો છે જેઓ આર્થિક સંકડામણના કારણે તીર્થયાત્રા કરી શકતા નથી. તેથી રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે. આ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોની મુલાકાતે લઈ જવામાં આવશે.
શિંદે જૂથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં ધ્યાનાકર્ષક દરખાસ્ત દ્વારા લાવી હતી. આ પ્રસ્તાવ દ્વારા પ્રતાપ સરનાઈકે વરિષ્ઠ નાગરિકો માટે મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના શરૂ કરવાની માંગ કરી હતી. આ પ્રસ્તાવના પ્રત્યુત્તરમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો, મજૂરો, કામદારો, મહિલાઓ અને યુવાનો માટે બજેટમાં ઘણી જોગવાઈઓ કરી છે. મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે તીર્થસ્થળોની યાત્રા સરળ બનાવવા માટે મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના ક્રમિક ધોરણે ઓનલાઈન અરજીઓ મંગાવીને લાગુ કરવામાં આવશે.
જોકે, આ તીર્થ દર્શન માટે લોકોને કેટલા રૂપિયા ભરવા પડશે કે આ તદ્દન મફત હશે, તેનું આયોજન કોણ અને કેવી રીતે કરશે, તેમાં કયા કયાતીર્થશ્રેત્રોને આવરી લેવામાં આવશે… વગેરે બાબતોની માહિતી હજી સુધી આપવામાં આવી નથી.