મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંની રોકડ ચોરનારો પકડાયો

પાલઘર: પાલઘર જિલ્લામાં મંદિરમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિ, મુગટ તથા દાનપેટીમાંની રોકડ ચોરનારા 42 વર્ષના આરોપીને પોલીસે પકડી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ સુભાષ શિતલપ્રસાદ કેવટ તરીકે થઇ હોઇ તેણે ચોરેલી મતા જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સૈફના ઘરની જેમ જ છઠ્ઠા માળની ઑફિસમાં ઘૂસેલો ચોર 1.90 કરોડના દાગીના ચોરી ફરાર…
પાલઘર જિલ્લામાં વાણગાંવ પોલીસ સ્ટેશનની હદમાં ચિંંચણી પિંપળનાકા ખાતેના સામુદ્રીમાતા મંદિરમાં 27 ફેબ્રુઆરીએ રાતે ચોરી થઇ હતી. પાછળના દરવાજોનું લૉક તોડીને અંદર ઘૂસેલો ચોર શંકર ભગવાનની ચાંદીની મૂર્તિ, મુગટ તથા દાનપેટીમાંની રોકડ ચોરી ગયો હતો. એ સિવાય હરિહરેશ્ર્વર મંદિરમાંની દાનપેટીમાંથી પણ રોકડ ચોરવામાં આવી હતી. આમ મંદિરમાંથી 2.35 લાખ રૂપિયાની મતા ચોરવામાં આવી હતી, જેને પગલે વાણગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત
દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં મળેલી માહિતીને આધારે આરોપી સુભાષ કેવટને ઝડપી પાડ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અને નાશિકમાં રહેતા આરોપી સુભાષ કેવટે પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી, જેને પગલે તેની ધરપકડ કરાઇ હતી.