સૈફના ઘરની જેમ જ છઠ્ઠા માળની ઑફિસમાં ઘૂસેલો ચોર 1.90 કરોડના દાગીના ચોરી ફરાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સૈફ અલી ખાનના ઘરમાં ચોરીને ઇરાદે ઘૂસેલા ચોરે અભિનેતા પર હુમલો કર્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં બાન્દ્રામાં એ જ પદ્ધતિથી છઠ્ઠા માળની ઑફિસમાં ઘૂસેલો ચોર 1.90 કરોડ રૂપિયાના હીરાજડિત દાગીના ચોરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ચોર બિલ્ડિંગના દાદરથી આરામથી ચઢીને છઠ્ઠા માળે પહોંચ્યો હતો પછી પાઈપની મદદથી બારીમાંથી ઑફિસમાં ઘૂસ્યો હતો. ચોરે સીસીટીવી ઑપરેટિંગ મશીન બંધ કરી દીધું હતું, પરંતુ તે પહેલાં તે કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
Also read : Good News: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે મિસિંગ લિંકનું ઓગસ્ટ સુધી થશે પૂરું…
બાન્દ્રા પોલીસના જણાવ્યા મુજબ ઘટના નવમી માર્ચેની રાતે બાન્દ્રા પશ્ર્ચિમમાં ગુરુ નાનક રોડ પરની ટર્નર હાઈટ સોસાયટીમાં બની હતી. જ્વેલરીનો વ્યવસાય ધરાવતા સમર્થ બજાજે ઑફિસમાંથી 1.90 કરોડ રૂપિયાના દાગીના ચોરાયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર આઠમી માર્ચની રાતે આઠ વાગ્યાની આસપાસ ઑફિસ બંધ કરવામાં આવી હતી. સોમવારે, 10 માર્ચે સવારે કર્મચારી કુણાલે ઑફિસ ખોલી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ઑફિસમાંના લૉકરમાંથી જ્વેલરીના પાંચ બૉક્સ ગુમ હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક આ બાબતે બજાજને જાણ કરી હતી.
Also read : મહારાષ્ટ્ર બજેટ 2025: કરવેરા આવકનો લક્ષ્યાંક ₹3.87 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો, માફી યોજનાની જાહેરાત…
પોલીસે બિલ્ડિંગમાં લાગેલા અને ઑફિસમાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ચોર નવમી માર્ચની રાતે બિલ્ડિંગના દાદર ચઢીને છઠ્ઠા માળે પહોંચ્યો હતો. બાદમાં પાઈપની મદદથી બારીમાંથી ઑફિસમાં ઘૂસ્યો હતો. ઑફિસમાં પ્રવેશતાં જ તેણે સીસીટીવીની સ્વિચ બંધ કરી દીધી હતી. જોકે તે ઑફિસમાં ઘૂસ્યો ત્યારે કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. પોલીસ ફૂટેજની મદદથી આરોપીની શોધ ચલાવી રહી છે.