ત્રણ મહિનાથી પોલીસની ઊંઘ ઉડાડી મૂકનારો ચોર આખરે મલાડમાં પકડાયો…
ગાઉન પહેરીને ઘરોમાં ચોરી કરનારા આરોપી પાસેથી 41 લાખની મતા જપ્ત: ચોરીનાં નાણાંમાંથી બિહારમાં જમીન અને મુંબઈમાં ઘર ખરીદ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લેડીઝ ગાઉન પહેરીને રાતના સમયે બારીમાંથી ફ્લૅટમાં ઘૂસી ચોરી કરનારા ચોરે ત્રણ મહિનાથી પોલીસની ઊંઘ ઉડાડી મૂકી હતી. બોરીવલીથી મલાડ વચ્ચેના વિસ્તારોમાં ચોરી કરનારો આરોપી આખરે મલાડમાં ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી હીરાજડિત સોનાના દાગીના સહિત 41 લાખની મતા હસ્તગત કરવામાં આવી હોઈ ચોરીનાં નાણાંમાંથી તેણે બિહારમાં જમીન અને મલાડમાં ઘર ખરીદ્યું હોવાનું તપાસમાં જણાયું હતું.
મલાડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રણજિતકુમાર ઉપેન્દ્રકુમાર સિંહ ઉર્ફે મુન્ના (44) તરીકે થઈ હતી. તેની વિરુદ્ધ બોરીવલી, કાંદિવલી, મલાડ અને દિંડોશી પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. બિહારના ખગરિયા જિલ્લાના વતની મુન્નાએ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસની ઊંઘ ઉડાડી મૂકી હતી. તે મોટા ભાગે રેલવે સ્ટેશન નજીકની ઈમારતોમાં જ ચોરી કરતો હતો. રેલવે ટ્રેક નજીકના અવાવરુ સ્થળે તે ગાઉન પહેરતો અને મોં પર માસ્ક લગાવતો.
પછી પાઈપની મદદથી ઉપર ચઢીને બારીમાંથી ફ્લૅટમાં પ્રવેશતો.
ચોરી પછી ફરી ટ્રેક નજીકના વિસ્તારમાં જઈને ગાઉન કાઢી નાખતો હતો. મલાડના ફ્લૅટમાંથી સાડાચાર લાખની મતા ચોર્યા બાદ તે સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ મેળવતાં અગાઉ ક્યારેય તે કોઈ ગુનામાં પકડાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મલાડના માલવણી વિસ્તારમાં આંટા મારતો તે નજરે પડ્યો હતો. બે દિવસ પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી હીરાજડિત સોનાના દાગીના અને એક કિલો ચાંદી મળી આવી હતી. તેના બૅન્ક ખાતામાં 13 લાખ રૂપિયા જમા હતા, જે પોલીસે ફ્રીઝ કર્યા હતા.
દાગીના વેચવા જાય તો પકડાઈ જવાની બીકે આરોપીએ સોનું પિગાળવાનું મશીન ઘરમાં જ વસાવી લીધું હતું. ચોરેલા દાગીના પિગાળીને તે સોનું વેચી નાખતો. એ નાણાંમાંથી તેણે માલવણીમાં ઘર ખરીદ્યું હતું. એ સિવાય વતનમાં જમીન ખરીદવા 10 લાખ રૂપિયા આપ્યા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.