અભિનેતા સલમાન ખાનને શૂટિંગના સ્થળે ગોળી મારવાની યોજના હતી: આરોપનામામાં ખુલાસો
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને ફિલ્મના શૂટિંગના સ્થળે ગોળીએ દેવાનું કાવતરું આરોપીઓએ ઘડ્યું હોવાનો ખુલાસો પોલીસે આરોપનામામાં કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે સલમાન પર હુમલો કરવા માટે જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ દ્વારા ગૅન્ગના સભ્યોને 25 લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. હુમલા માટે પાકિસ્તાનના એકે-47 સહિતનાં અત્યાધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવાનું આ ટોળકીએ નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા
નવી મુંબઈની પનવેલ શહેર પોલીસે ધરપકડ કરાયેલા પાંચ આરોપી ધનંજય તાપસિંહ ઉર્ફે અજય કશ્યપ (28), ગૌતમ ભાટિયા (29), વસ્પી મેહમૂદ ખાન ઉર્ફે ચિના (36), રિઝવાન હુસેન ઉર્ફે જાવેદ ખાન (25) અને દીપક હવાસિંહ ઉર્ફે જ્હોન (30) વિરુદ્ધ 21 જૂને મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ 350 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ, તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા અને ગોલ્ડી બ્રારને ફરાર આરોપી દર્શાવાયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગના સ્થળે અથવા પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર અભિનેતા પર ગોળીબાર કરવાની યોજના હતી. આરોપનામામાં હુમલા અને ભાગી છૂટવાના માર્ગ સંબંધી વિગતવાર માહિતી નોંધવામાં આવી છે. એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોનના કૉલ રેકોર્ડ્સ, તેમની વ્હૉટ્સએપ ચૅટ્સ, ઓડિયો અને વીડિયો કૉલ્સ તેમ જ ટાવર લૉકેશન્સની માહિતીનો પણ ચાર્જશીટમાં સમાવેશ છે.
આ પણ વાંચો: સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને શા માટે કહ્યું, હું મૂર્ખામીભર્યા ટ્રેન્ડ્સની વિરોધી છું…
પનવેલ શહેર પોલીસે એપ્રિલમાં બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ઘડવામાં આવેલા અભિનેતાની હત્યાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આરોપી અજય અને અન્ય આરોપી વચ્ચે થયેલા વીડિયો કૉલની માહિતી હાથ લાગ્યા પછી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. (પીટીઆઈ)