“અનામતના પ્રશ્નનો એક માત્ર ઉકેલ છે”… કોંગ્રેસના નેતાએ અનામતના મુદ્દે કહી મોટી વાત
મુંબઈઃ ભાજપ મરાઠા અને ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસિસ-અન્ય પછાત વર્ગ) ને અનામત મુદ્દે ભરમાવી રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે અનામતના સળગતા પ્રશ્નને ફરી ઉઠાવ્યો હતો અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અનામત મુદ્દે જુદા જુદા મત ધરાવે છે.
બાવનકુળે કહે છે કે પચાસ ટકા કરતાં વધુ અનામત આપી ન શકાય જ્યારે ફડણવીસ કરે છે કે પચાસ ટકા કરતાં વધુ અનામત આપવું શક્ય છે. અનામતના એક જ મુદ્દે ભાજપના બે નેતાઓના જુદા જુદા મત છે. તેમણે તેમની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઇએ, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપી શકાય નહીં: ભૂજબળ
પટોલેએ વધુમાં જણાવ્યું હતું કે પટના હાઇ કોર્ટના આદેશ પરથી પચાસ ટકા કરતાં વધુ અનામત ન દઇ શકાય એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે અને ફડણવીસ તેમ જ બાવનકુળેના જુદા જુદા નિવેદનથી ભાજપનો ખરો ચહેરો પણ સામે આવ્યો છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખી જાતિ આધારિત વસતિ ગણતરી કરીને જ અનામતની સમસ્યાનો ઉકેલ આવી શકે, એમ પટોલેએ કહ્યું હતું.
ભાજપે આ રીતે વસતિ ગણતરીની માગણી કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે એટલે તેમણે મરાઠા, ઓબીસી, ધનગર, આદિવાસ, હળબલ અને અન્ય સમાજની માગણીઓને ન્યાય આપવા માટે જાતિ આધારિત વસતિ ગણતરી શરૂ કરવી જોઇએ.