મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાઓને પણ ‘ભારત રત્ન’ આપવાની ઊઠી માગ

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીવી નરસિંહ રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે મહારાષ્ટ્રમાંથી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ સહિત ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ પણ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને પણ ભારત રત્ન આપવાનો અનુરોધ કર્યો હતો.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેને પણ ભારત રત્ન આપવાની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે પણ વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની કેન્દ્ર સરકાર પર ટીકા કરી હતી.
મનસે અધ્યક્ષ રાજ ઠાકરે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટ્વિટ કરીને લખ્યું “પૂર્વ પીએમ પી.વી. નરસિંહ રાવ, ચૌધરી ચરણ સિંહ અને ભારતમાં હરિત ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનમે ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. એમએસ સ્વામીનાથનનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું, જે વૈજ્ઞાનિકે આટલું બધુ હાંસલ કર્યું હોય તેને તેમના જીવનકાળમાં જ આ સન્માન મળવું જોઈતું હતું. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પી.વી. નરસિંહ રાવ અને ચૌધરી ચરણસિંહ અને થોડા સમય પહેલા પ્રણવ મુખર્જીને ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી રાજનીતિક ઉદારતા દાખવી હતી.
રાજ ઠાકરેએ આગળ જણાવ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવી જોઈએ. દેશના એક મુખ્ય કાર્ટૂનિસ્ટ અને દેશભરના દરેક હિન્દુઓની અસ્મિતાને જાગૃત કરવાવાળા અદ્વિતીય નેતા આ સન્માનના પાત્ર છે. મારા જેવા એવા અનેક લોકોને ખુશી થશે જેને બાળાસાહેબના વિચાર વારસામાં મળ્યા છે, એવું રાજ ઠાકરેએ લખ્યું હતું.
જોકે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે સરકાર પર ટીકા કરતાં લખ્યું હતું કે પોતાને હિંદુત્વવાદી કહેતા મોદી સરકાર એક વખત ફરી હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને ભૂલી ગઈ છે. પહેલા બે અને હવે ત્રણ એમ એક મહિનામાં પાંચ નેતાઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા પણ વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેને નહીં. એક વર્ષમાં માત્ર ત્રણ લોકોને ભારત રત્ન આપવામાં આવે છે, પણ પીએમ મોદીએ એક મહિનામાં પાંચ લોકોનું નામ ચૂંટણીને લઈને જાહેર કર્યો હોવાનો આરોપ પણ રાઉતે કર્યો હતો.
રાઉતે આગળ કહ્યું હતું કે કર્પૂરી ઠાકુર અને એલ. કે. અડવાણી પછી ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહ રાવ અને એમએસ સ્વામીનાથનને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, પણ શ્રી બાળાસાહેબને કેમ ભૂલી ગયા. જેણે આખા ભારતને હિન્દુ બનાવ્યા, જેને લીધે મોદીએ અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી. આ સાથે યુબીટીના નેતા પ્રિયંકા ચાતુર્વેદીએ વીર સાવરકરને પણ ભારત રત્ન આપવાની વાત કહી હતી.