…તો ફરી પાછી ચૂંટણી નહીં યોજાયઃ મહારાષ્ટ્રના પૂર્વ સીએમનો સરકાર પર પ્રહાર
મુંબઈ: બંધારણમાં જડમૂળથી ફેરફાર કરવા માટે ભાજપ 400 બેઠક જીતવા માગતી હોવાનું શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સુપ્રીમો અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જો ભાજપ 400 બેઠક જીતી જાય તો દેશમાં ફરી વાર કોઇ ચૂંટણી નહીં યોજાય એવો પ્રહાર ઉદ્ધવે ભાજપ ઉપર કર્યો હતો.
ઉદ્ધવે યવતમાળના રાળેગાંવમાં સભાને સંબોધતા કહ્યું હતું કે લોકોએ તેઓ કયા ખતરાનો સામનો કરી રહ્યા છે તે તેમણે જાણવું જોઇએ. તેઓ લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો જીતવાની વાતો કરી રહ્યા છે.
તેમને 400 બેઠક દેશના વિકાસ માટે નથી જોઇતી. તેમને દેશનું બંધારણ બદલાવવું છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે બંધારણ ઉપર મેં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા, તે બંધારણ બદલાવવાનું તેમનું લક્ષ્ય છે. ભાજપના નેતા અનંત કુમાર (હેગડે)એ જો ભાજપ 400 બેઠક જીતે તો બંધારણ બદલવાની યોજના હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે એક વખત બંધારણ બદલાઇ જાય ત્યાર બાદ તેમના હાથમાં બધી જ સત્તા આવી જશે અને દેશમાં પછી કોઇ વાર ચૂંટણી નહીં યોજાય. આ ઉપરાંત ઉદ્ધવે યવતમાળ જિલ્લામાં ખેડૂતોની થઇ રહેલી આત્મહત્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો.