યુવતીનો વાંધાજનક વીડિયો વાયરલ કરનારા યુવકની આસામમાં ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્નની લાલચે યુવતીનો કથિત વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા આરોપીની આસામમાં ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈની એમઆઈડીસી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ દિલદાર હુસેન યુન્નોસ અલી (23) તરીકે થઈ હતી. આરોપીએ દિલદાર ખાન નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર જ ફરિયાદી યુવતીની ઓળખાણ દિલદાર સાથે થઈ હતી.
આરોપી અને યુવતી વચ્ચે મિત્રતા થયા પછી આરોપીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીનો વિશ્ર્વાસ કેળવી આરોપીએ તેની સાથે ફોન પર વાતચીત શરૂ કરી હતી. બાદમાં બન્ને વીડિયો કૉલ પર વાત કરતા હતા. વીડિયો કૉલ દરમિયાન આરોપીએ યુવતીના વાંધાજનક વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીએ યુવતીના નામનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ શરૂ કરી તેના પર યુવતીનો વાંધાજનક વીડિયો અને તસવીરો શૅર કરી હતી. આ બાબતની જાણ થતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી આસામના દુર્ગમ ભાગમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આસામ પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી આરોપીને તાબામાં લીધો હતો.