કોસ્ટલ રોડના બીજા તબક્કાનું કામ આગામી વર્ષથી થશે શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ફેઝ-૨ માટે ચાર કૉન્ટ્રેક્ટરને ફાઈનલ કર્યા છે. ૧૮.૪૭ કિલોમીટરનો રોડ વર્સોવાથી દહીંસર સુધીનો રહેશે, એ સાથે જ ગોરેગામ-મુલુંડ લિંક રોડને જોડતો ૪.૪૬ કિલોમીટરનો કનેકટર રોડ પણ હશે. નવા વર્ષમાં કામ ચાલુ થવાની શક્યતા છે, જે આગામી ચાર વર્ષમાં પૂરું કરવાનો પાલિકાએ લક્ષ્યાંક રાખ્યો છે. પ્રોજેકટની અંદાજિત કિંમત આશરે ૧૬,૬૨૧ કરોડ રૂપિયાથી વધીને લગભગ ૨૪,૦૦૦ કરોડ રૂપિયા જીએસટી અને અન્ય કરનો સમાવેશ કર્યા બાદ થશે.
પાલિકા દ્વારા ૨૪.૨૯ કિલોમીટરના પટ્ટા માટે છ પેકેજમાં ઓગસ્ટ મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. છ કંપની આગળ આવી હતી, તેમાંથી ચારને પાલિકાએ છ પેકેજના કામ માટે ફાઈનલ કર્યા છે.
પાલિકાના એડિશનલ કમિશનલ વેલરાસુના જણાવ્યા મુજબ વર્સોવા-દહીંસર ક્નેકટરમાં ડબલ એલિવેટેડ રોડની સાથે કેબલ સ્ટેઈડ બ્રિજ અને મલાડ-કાંદિવલીમાં મેનગ્રોવ્ઝ ખાડીમાંથી પસાર થતી અંડર ગ્રાઉન્ડ ટનલ હશે. તેમ જ તે ગોરેગામ-મુલુંડ લિંક પ્રોજેક્ટ સાથે ક્નેક્ટિવિટી પણ રહેશેે, જેનો ઉદ્દેશ્ય પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરને જોડનારો છે.
વધુમાં વેલરાસુએ કહ્યું હતું કે આવતા વર્ષે ચોમાસા પહેલા ફેઝનું કામ ચાલુ કરવાની યોજના છે. કોસ્ટલ રોડમાં તમામ ફેઝનું કામ એક વાર પૂર્ણ થયા બાદ નરીમન પોઈન્ટથી મીરા રોડ ફક્ત ૩૫થી ૪૦ મિનિટમાં પહોંચી શકાશે.
હાલમાં કોસ્ટલ રોડના પ્રથમ તબક્કામાં (૧૦.૫૮ કિલોમીટરનો વિસ્તાર) પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર મરીન ડ્રાઈવથી વરલીના છેડા સુધી બાંદ્રા-વરલી સી લિંક સુધીનું ૮૨ ટકા કામ પૂરું થઈ ગયું છે. કોસ્ટલ રોડની એક બાજુને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં વાહનચાલકો માટે ખુલ્લી મૂકવાની યોજના છે, તો સમગ્ર રોડ મે, ૨૦૨૪ સુધીમાં તૈયાર થઈ જવાનો છે.
છ તબક્કામાં કામ થશે
પેકેજ એ- વર્સોવા અને બાંગુર નગર (ગોરેગામ) વચ્ચે ૪.૫ કિલોમીટર -બાંગુર નગર અને માઈન્ડ સ્પેસ (મલાડ) વચ્ચે ૧.૬૬ કિલોમીટર
સી અને ડીમાં ઉત્તર અને દક્ષિણ તરફના કેરજ-વેનો સમાવેશ થાય છે, જે માઈન્ડસ્પેસ અને ચારકોપ(કાંદિવલી)વચ્ચે બનાવવામાં આવશે. દરેક પેકેજ ૩.૬૬ કિલોમીટરનો હશે.
ઈ-૩.૭૮ કિલોમીટરનો ચારકોપને ગોરાઈ સાથે જોડશે
એફ-૩.૬૯ કિલોમીટર- ગોરાઈથી દહીંસરને જોડશે