ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થતાં પત્નીએ ઉકળતું તેલ પતિ પર ફેંક્યું
થાણે: ભિવંડીમાં ભાડાનું ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થયા બાદ સૂવા ગયેલા પતિ પર પત્નીએ ઉકળતું તેલ ફેંક્યું હતું. પોલીસે આ પ્રકરણે પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રહેમાન અન્સારી (32) અને તેની પત્ની સિરિન અન્સારી (30) વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 10 વર્ષ અગાઉ તેમનાં લગ્ન થયાં હતાં અને તેમને ત્રણ સંતાન છે. રહેમાન નાના-મોટા કામ કરતો હતો, જેને કારણે ઘર ચલાવવાનું તેને માટે પકડારજનક બન્યું હતું. દંપતી નાણાભીડનો સામનો કરી રહ્યું હતું.
આ પણ વાંચો: Honeymoon પર પતિએ પત્નીને કહ્યું Second Hand અને 30 વર્ષ બાદ થયું કંઈક એવું કે…
રહેમાન તેના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેતો હતો અને ઘરમાલિકે તે ખાલી કરવાનું તેમને કહ્યું હતું. દરમિયાન ગુરુવારે રાતે રહેમાન કામ પતાવીને ઘરે આવ્યો હતો ત્યારે ઘર અને પૈસાને મુદ્દે તેનો પત્ની સાથે ઝઘડો થયો હતો. રહેમાન બાદમાં સૂવા માટે જતો રહ્યો હતો. સિરિને બાદમાં તેલ ગરમ કર્યું હતું અને ઉકળતું તે રહેમાનના મોઢા અને શરીર પર ફેંક્યું હતું.
આ ઘટના બાદ રહેમાન ઘણા કલાકો સુધી બોલી શક્યો નહોતો. તેનું નિવેદન નોંધ્યા બાદ પોલીસે સિરિન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સપ્તાહ અગાઉ વાતચીત દરમિયાન રહેમાને આ જ મુદ્દે ગાળો ભાંડી હતી.