મોદી વિરુદ્ધ અપશબ્દો બોલનારા અંગે કેન્દ્રીય પ્રધાને આપી દીધી ચેતવણી
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો બીજો તબક્કો નજીક આવી રહ્યો છે તેમ પ્રચારસભાઓમાં માહોલ પણ વધુને વધુ ગરમ થતો જોવા મળી રહ્યો છે અને નેતાઓ આક્રમક ભાષણ આપી વિરોધી પક્ષોને નિશાન પર લઇ રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પણ હાલમાં જ વિરોધ પક્ષ દ્વારા સિંધુદુર્ગમાં થનારી રેલી પૂર્વે તેમને ચેતવણી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જો કોઇએ અપશબ્દ કે ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો છે તે તેમને ઘરે પાછા નહીં જવા દેવામાં આવે, તેવી ચેતવણી રાણેએ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે રાણે મહાયુતિમાં ભાજપ તરફથી રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠકના ઉમેદવાર છે અને તે સિંધુદુર્ગમાં એક પ્રચાર રેલી દરમિયાન તેમણે આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને તેમની પાર્ટીના સાંસદ સંજય રાઉતે મોદીની ટીકા કરી અને તે લોકશાહીનો એક ભાગ છે. તેમનું અહીં સ્વાગત છે, પરંતુ જો તે અમારા નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશે તો અમે તે વ્યક્તિને અહીંથી ઘરે જવા નહીં દઇએ.
ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેએ 2005માં શિવસેનામાંથી બહાર પડ્યા હતા અને તેમણે ત્યારે જ દાવો કર્યો હતો કે બાળાસાહેબ ઠાકરે માટે ઉદ્ધવ ઠાકરે ક્યારેય મુખ્ય પ્રધાનપદ માટેની પસંદગી નહોતા.
જો ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબની મુખ્ય પ્રધાન માટેની પસંદ હોત તો તેમણે 1999માં મારા સ્થાને તેમને જે મુખ્ય પ્રધાન બનાવ્યા હોત. ઉદ્ધવ તે ઝીરો-પર્ફોર્મન્સવાળા વ્યક્તિ છે. નારાયણ રાણે 1999માં એક વર્ષ કરતાં પણ ઓછા સમય માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા હતા.
રાણેએ એવો પણ દાવો કર્યો હતો કે કોવિડ રોગચાળા દરમિયાન એ વખતના મુખ્ય પ્રધાને 15 ટકા કમિશન લેવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની સરકારમાં થયેલા આ પ્રકારના ભ્રષ્ટાચાર બાબતે તપાસ પણ ચાલી રહી હતી.