ટ્રક ચાલકોએ હડતાળ પાછી ખેંચી પણ સોલાપુરમાં ખેડૂતોને આ કારણે પડ્યો ફટકો

સોલાપુર: કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હોવાથી કાંદાના ભાવ ગગડી ગયા હતા એ જાણે ઓછું હોય એમ હિટ એન્ડ રન કેસમાં દોષી હોય એવા હેવી વ્હિકલવાળા ટ્રક ચાલકો વિરુદ્ધ આવેલા નવા કઠોર કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોએ શરૂ કરેલા આંદોલનનો ફટકો કાંદા ઉત્પાદકો સહિત અન્ય ખેડૂતોને પણ નુકસાન સહન કરવું પડ્યું છે.
ટ્રક ચાલકોએ હડતાળ પાછી ખેંચી હોવા છતાં કાંદા મોકલવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી બુધવારે વેપારીઓએ કાંદાનું લિલામ જ કર્યું નહીં. પરિણામે ખેડૂતોએ નાહક ત્રાસ વેઠવો પડી રહ્યો છે. ગયા સોમવારે, પહેલી જાન્યુઆરીએ ભીમા – કોરેગાવમાં શૌર્ય દિન નિમિત્તે કાંદા બજારના માથાડી કામગારોએ રજા લીધી હતી.એટલે એ દિવસે લિલામ નહોતું થયું.
મંગળવારે કાંદાની આવક વધી 72 હજાર 41 ક્વિન્ટલ કાંદા ભરી 720 ટ્રક આવી હતી. પરિણામે કાંદાના ભાવ વધુ ઘટીને પ્રતિ ક્વિન્ટલ સરાસરી દોઢ હજારના ભાવ સુધી કાંદાનું વેચાણ થયું હતું. કુલ પાંચ ક્વિન્ટલ કાંદાને પ્રતિ ક્વિન્ટલ 3500 રૂપિયાનો ભાવ મળ્યો હતો, જ્યારે 14 ક્વિન્ટલ કાંદા માટે પ્રતિ ક્વિન્ટલ ફક્ત 100 રૂપિયા જેટલી ઓછી બોલી કરી ખેડૂતોને ખંખેરી લેવામાં આવ્યા. બાકીના કાંદા માટે દોઢ હજારથી ઓછો ભાવ મળવાને કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.