આમચી મુંબઈમહારાષ્ટ્ર

સર્વેક્ષણે ઉડાવી ભાજપની ઊંઘ

મહાયુતિને 288માંથી ફક્ત 123 બેઠક મળવાનો અંદાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહે પોતાની બે દિવસની મુંબઈ મુલાકાત વખતે ભાજપના પદાધિકારીઓને આગામી વિધાનસભાની ચૂંટણીને અત્યંત ગંભીરતાથી લેવાની સલાહ આપી હતી. આ અંગેનું કારણ શોધવાનો પ્રયાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે અમિત શાહ પાસે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના સર્વેક્ષણનો ખાનગી અહેવાલ આવ્યો છે અને તેને કારણે ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. અમિત શાહે રાજ્યના ભાજપના નેતાઓને આ સ્થિતિ બદલવા માટે કમર કસવાની તાકીદ કરી છે.

આ પણ વાંચો: જાહેરમાં લુગડાં ન ધુઓ: અમિત શાહની ભાજપના નેતાઓને તાકીદ

તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ રાજ્યની 288 બેઠકમાંથી મહાયુતિને ફક્ત 123 બેઠક મળવાની સંભાવના છે, જ્યારે મહાવિકાસ આઘાડીને 150-152 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા વ્યક્ત થઈ છે.

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠકમાં પણ સર્વેક્ષણના તારણો વિશેની માહિતી આપીને બધાને સક્રિય થવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: હરિયાણામાં ભાજપ માટે સાફસૂફીની મોટી તક

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી રણનીતિ મુજબ ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે સર્વેક્ષણના અહેવાલમાં ભાજપને ફક્ત 50 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બાકીની 75 બેઠકોના સંભપિત પરિણામોને બદલવાની જવાબદારી ભાજપના પ્રદેશાધ્યક્ષને સોંપવામાં આવી છે. આ સર્વેક્ષણના પરિણામો બાદ હવે ભાજપે અડધોઅડધ બેઠકો લડવાની પોતાની જીદ છોડી દીધી હોવાનું સાંભળવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં સાથી પક્ષોને ચૂંટણી લડવા માટે વધુ બેઠકો મળવાની આશા જાગી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button