હરિયાણામાં ભાજપ માટે સાફસૂફીની મોટી તક
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
એક સમયે આયારામ ગયારામ એટલે કે પક્ષપલટુઓ માટે પંકાયેલું હરિયાણા ફરી અસલી રંગમાં આવી રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાનો દૌર શરૂ થઈ ગયો છે. આ પક્ષપલટામાં સૌથી વધારે અસર ભાજપને થઈ રહી છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ૫ ઓક્ટોબરે થવાની છે અને આ માટે ભાજપની પ્રથમ યાદી જાહેર થતાં જ બગાવતની સ્થિતિ પેદા થઈ ગઈ છે.
ભાજપે બુધવારે સાંજે ૬૭ ઉમેદવારોની યાદી જાહેર કરી તેની થોડી જ મિનિટોમાં જ ભાજપના નેતાઓનાં ધડાધડ રાજીનામાં પડવા માંડ્યાં. સોશિયલ મીડિયા પર એક પછી એક પાર્ટીના નેતાઓએ રાજીનામાની જાહેરાત કરવા માંડી અને શુક્રવાર લગી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. ભાજપની પહેલી યાદી જાહેર થયાના ૪૮ કલાકથી ઓછા સમયમાં ૪૦ જેટલા મોટા મનાતા નેતાઓએ ભાજપને અલવિદા કહી દીધું છે.
ભાજપે ગયા વખતે ટિકિટ આપેલી તેમાંથી ૪૦ જેટલા નેતાઓને આ વખતે કાપી નાખ્યા છે ને તેમાં ૩ મંત્રી પણ છે. ભાજપે પહેલી યાદી જાહેર કરી રાજીનામાં આપનારામાં ૧ મંત્રી, ૧ ધારાસભ્ય, ૫ પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે અને તેમાં સૌથી મોટું નામ હરિયાણાના ઊર્જા મંત્રી રણજિત ચૌટાલાનું છે. ચૌટાલાનું પત્તું ભાજપે કાપ્યું એ સાથે જ ચૌટાલાએ પોતાના સમર્થકોની બેઠક બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી નાખી.
રણજીત ચૌટાલા ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેમને પાર્ટીમાં લઈને હિસારથી ચૂંટણી લડાવી હતી પણ ચૌટાલા ચૂંટણી હારી ગયા હતા. ચૌટાલા પોતે ખાલી કરેલી સિરસાની રાણિયા વિધાનસભા બેઠક પરથી ટિકિટ માગી રહ્યા હતા પણ ભાજપે ટિકિટ ના આપી. ચૌટાલાનો દાવો છે કે, ભાજપ હાઈકમાન્ડે તેમને ડબવાલીથી ચૂંટણી લડવાનું કહ્યું હતું પણ પોતે ત્યાંથી ચૂંટણી લડવા માગતા નહોતા અને ભાજપ રાણિયા બેઠક પરથી ટિકિટ આપવા તૈયાર નહોતો તેથી પોતે ભાજપ છોડી દીધો છે. ચૌટાલાએ એલાન કર્યું છે કે, હું રાણિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ અને સપ્ટેમ્બરે રાણિયામાં મોટો રોડ શો કરીને ભાજપને મારી તાકાત બતાવીશ.
દેશની ધનિક મહિલામાં ટોપ ટેનમાં સ્થાન ધરાવતાં સાવિત્રી જિંદાલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સાવિત્રી જિંદાલ ભાજપના સાંસદ નવીન જિંદાલનાં માતા છે કે જે કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં છે. આ સિવાય ફતેહાબાદની રતિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ટિકિટ ન મળતાં રાજીનામું આપી દીધું છે. નાપાએ અડધી રાત્રે ભાજપ પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને સવારે છ વાગે તો દિલ્હીમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડાના ઘરે પહોંચી જતાં નાપા કૉંગ્રેસમાં જોડાશે એ નક્કી છે.
આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ કર્ણદેવ કંબોજે પણ રાજીનામું આપી દીધું છે. ખુદ મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની કંબોજને સમજાવવા પહોંચ્યા હતા પણ કંબોજ માનવા તૈયાર નથી. સોનીપતનાં કવિતા જૈન પણ ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કવિતા જૈન રાજીવ જૈનનાં પત્ની છે અને સંજીવ જૈન ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરના ઓએસડી હતા.
બીજાં પણ ઘણાં નોંધપાત્ર નામો છે કે જેમાં હિસારના બરવાલામાં જિલ્લા કાઉન્સિલર મહંત દર્શનગિરી, હિસારના પૂર્વ મેયર ગૌતમ સરદાના, ડો.સતીશ ઢોલા, હિતરુણ જૈન, સીમા ગેબીપુર, શમશેર ગિલ, નવીન ગોયલ, સંજીવ વાલેચાએ ભાજપને રામ રામ કરી દીધા છે અને અપક્ષ લડવાની જાહેરાત કરી છે.
ભાજપની છાપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે અને તેમાં આટલા મોટા પાયે બળવો થાય એ વાત ચોંકાવનારી છે પણ તેના માટે ભાજપ જ જવાબદાર છે. ભાજપને હાથનાં કર્યાં હૈયે લાગી રહ્યાં છે એમ કહી શકાય. ભાજપે સત્તાને ખાતર કરેલા ભરતી મેળાનું આ પરિણામ છે.
જે લોકો ભાજપ છોડી રહ્યા છે તેમાંથી મોટા ભાગનાં લોકો એવાં છે કે જેમને ભાજપની વિચારધારા કે શિસ્ત સાથે કંઈ લેવાદેવા નથી. બલ્કે ભાજપ સાથે જ કંઈ લેેવાદેવા નહોતી પણ ભાજપ સત્તા ખાતર હાથ-પગ જોડીને તેમને લઈ આવેલો. સત્તા હતી ત્યાં સુધી એ લોકો ભાજપ સાથે રહ્યાં, હવે ભાજપ તેમને ટિકિટ નથી આપી રહ્યો ને સત્તામાં ભાગીદાર બનાવવા તૈયાર નથી એટલે ભાજપ છોડી રહ્યા છે.
હરિયાણામાં ભાજપ જીતવાનો નથી એવી હવા જામેલી છે એ પણ ભાજપમાંથી મોટા પાયે રાજીનામાં પડી રહ્યાં છે તેનું એક કારણ છે. ભાજપે ૨૦૧૪ અમે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં તમામ ૧૦ બેઠકો જીતી હતી પણ ૨૦૨૪માં ચિત્ર બદલાઈ ગયું. ૨૦૨૪માં હરિયાણાની ૧૦ બેઠકોમાંથી ૫ બેઠકો ભાજપ જીત્યો જ્યારે ૫ બેઠકો કૉંગ્રેસે જીતી છે. આ કારણે કૉંગ્રેસ જોરદાર ફોર્મમાં છે અને ભાજપ ડાઉન છે.
કૉંગ્રેસ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા પણ તૈયાર છે. હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકોમાંથી કૉંગ્રેસ આમ આદમી પાર્ટીને ૭ બેઠકો આપવા તૈયાર છે જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીને ૧૦ બેઠકો જોઈએ છે તેમાં કોકડું ગૂંચવાયું છે પણ આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવું લાગે છે.
હરિયાણામાં ખેડૂત આંદોલન સહિતના મુદ્દાની વ્યાપક અસર થઈ છે એ કારણે પણ ભાજપ નહીં જીતે એવી હવા જામેલી છે તેથી સત્તા માટે ભાજપમાં આવેલા નેતા સત્તા છોડીને ભાગી રહ્યા છે. હરિયાણા વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. એ વખતે સત્તા ટકાવવા માટે ભાજપે જેજેપીનો ટેકો લીધેલો ને પછી જેજેપીના ઘણા ધારાસભ્યોને તોડી લીધા તેની પણ અસર છે.
અત્યારે જે હાલત છે તેમાં ભાજપ મુશ્કેલીમાં લાગી રહ્યો છે પણ વાસ્તવમાં ભાજપ માટે આ આશીર્વાદરૂપ સ્થિતિ છે. અત્યારે ભાજપમાંથી કચરો સાફ થઈ રહ્યો છે અને ભાજપના પાયાના કાર્યકરો જ પક્ષમાં રહેશે એવું લાગે છે. ભાજપે આ કાર્યકરોને મહત્ત્વ આપીને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. ભાજપની યાદીમાં પક્ષપલટુઓ મોટા પ્રમાણમાં છે પણ એ છતાં ભાજપ ભવિષ્યમાં પક્ષપલટુઓને મહત્ત્વ નહીં આપવાનું વચન આપીને પોતાના કાર્યકરોને સાચવી લે તો હરિયાણા ગુમાવવાનો વારો નહીં આવે.