શરદ પવારની તસવીરના ઉપયોગ મુદ્દે સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથની લગાવી ફટકાર, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એનસીપીના ચિન્હના વિવાદ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અજિત પવારના જૂથ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવારની તસવીર અને નામનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ પવાર જૂથ એમ બંને જૂથનું વિભાજન થયા બાદ બંને જૂથ દ્વારા પાર્ટીના ચિન્હ અને નામને લઈને ચૂંટણી પંચ સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગે ચૂંટણી પંચે અજિત પવારનું જૂથ અસલી એનસીપી હોવાનો ચુકાદો આપ્યો હતો. આમ છતાં અજિત પવાર જૂથ દ્વારા પ્રચાર માટે શરદ પવારની તસવીરનો ઉપયોગ કરવામાં આવતી હોવાથી સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને ઠપકો આપ્યો હતો.
એનસીપીને લઈને અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો. દેશમાં લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એનસીપીના બે જૂથ થયા બાદ ચૂંટણી પંચે પાર્ટીનું નામ અને ચિન્હ અજિત પવાર જૂથને આપ્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણયને પડકારતી અરજી શરદ પવાર જૂથે અદાલતમાં દાખલ કરી હતી.
આ અરજીની સુનાવણી દરમિયાન અદાલતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શરદ પવારના નામનો ઉપયોગ નહીં કરવા અજિત પવાર જૂથને એક સોગંદનામું દાખલ કરવા સાથે અજિત પવાર જૂથને ‘ઘડિયાળ’ સિવાય બીજું કોઈ પાર્ટી ચિન્હ ચૂંટણીમાં વાપરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણીમાં મતદારો વચ્ચે પાર્ટીના ચિન્હને લઈને કોઈ પણ મૂઝવણ થાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
અદાલત સમક્ષ શરદ પવાર જૂથે દલીલ કરતા કહ્યું હતું કે અજિત પવાર જૂથ એનસીપીનું ચિન્હ ‘ઘડિયાળ’ અને શરદ પવારની તસવીરો પણ ચૂંટણી પ્રચાર માટે વાપરી રહ્યું છે. અજિત પવાર જૂથ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રચારના પોસ્ટરમાં ઘડિયાળ અને શરદ પવારની તસવીરો છે, એવું અજિત પવાર જૂથના જ પાર્ટીના નેતાએ કહ્યું હતું.
આ વાતને લઈને અજિત પવાર જૂથના વકીલે કહ્યું હતું કે શરદ પવારની તસવીરોનો પાર્ટીના સ્થાનિક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હશે. એનસીપીએ અધિકૃત રીતે આવું કર્યું નથી, સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે, જેના પર કોઈ નિયંત્રણ મૂકી શકાય નહીં. જોકે કોર્ટે અજિત પવાર જૂથને ઠપકો આપતા કહ્યું હતું કે અજિત પવાર જૂથ તેમના કાર્યકરોમાં શિસ્ત લાવે. એનસીપી હવે શરદ પવારની તસવીરો નહીં વાપરે એવું સોગંદનામું આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.