પવાર વિરુદ્ધ પવાર: સુપ્રીમ કોર્ટે લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારને ‘ઘડિયાળ’ ચિહ્ન વાપરવાની પરવાનગી આપી
શરદ પવારની પાર્ટીનું નામ નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી-શરદ પવાર રહેશે અને રણશિંગું ફૂંકતો વ્યક્તિ રહેશે ચિહ્ન
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ મહારાષ્ટ્રના પવાર વિરુદ્ધ પવારના સંઘર્ષ પર બધાની નજર હતી. બંને જૂથને ક્યા-ક્યા નામ અને ચિહ્ન મળે છે તેના પર આગામી ચૂંટણીનો આધાર રહેલો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મોટી રાહત આપી હતી. ચૂંટણી પંચની જેમ જ ઘડિયાળનું ચિહ્ન અને પાર્ટીનું નામ વાપરવાની પરવાનગી આપી હતી. જોકે, તેમણે અજિત પવારને લેખિતમાં ખાતરી આપવાનું જણાવ્યું હતું કે પાર્ટી ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં, આખા દેશમાં ક્યાંય પ્રચારમાં પોસ્ટર-હોર્ડિંગ પર શરદ પવારનો ફોટો ઉપયોગમાં લેશે નહીં.
સુપ્રીમ કોર્ટે શરદ પવાર દ્વારા ચૂંટણી પંચના નિર્ણયના વિરુદ્ધ કરવામાં આવેલી પિટિશન પર સંખ્યાબંધ નિર્દેશ મંગળવારે આપ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ઘડિયાળના ચિહ્નનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. જ્યારે અજિત પવારને લેખિતમાં બાંયધરી આપવા જણાવ્યું હતું કે પાર્ટી પ્રચારના સાહિત્ય પર શરદ પવારનો ફોટો ક્યાંય નહીં છાપે.
આ પણ વાંચો
અજિત પવાર જૂથને ફટકો, શરદ પવાર જૂથમાં એક વિધાનસભ્યની થઈ ‘ઘરવાપસી’?
કોર્ટે વધુમાં ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે એનસીપી-શરદ પવાર પાર્ટીને ‘રણશિંગુ ફૂંકી રહેલો વ્યક્તિ’નું ચિહ્ન ફાળવવું. આ પાર્ટીનું નામ નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)-શરદચંદ્ર પવાર રહેશે. આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે આ બંને નિર્દેશો લાગુ રહેશે.
ચૂંટણી પંચને એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આ બંને પક્ષના નામ અને ચિહ્ન અન્ય કોઈ પાર્ટીને ન આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આ આદેશનું પાલન મહારાષ્ટ્ર ચૂંટણી પંચે પણ કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને નિર્દેશ આપ્યો હતો કે તેમમે હિન્દી, મરાઠી અને અંગ્રેજી અખબારોમાં જાહેર નોટિસ આપવી જેમાં એવો સ્પષ્ટ ખુલાસો કરવો કે ઘડિયાળના ચિહ્ન અંગેની બાબત અત્યારે ન્યાયાધીન છે અને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂરતું આ ચિહ્ન તેમની પાર્ટીને મળ્યું છે. આ ચિહ્નનો નિર્ણય સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
કોર્ટે ચાર સપ્તાહમાં સોગંદનામું દાખલ કરવાનો અને બે અઠવાડિયામાં રિજોઈન્ડર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.