આમચી મુંબઈ

અંધેરીના ગોખલે પુલને ખુલ્લો મુકવા માટે મે મહિનાનું મૂરત

ટ્રાપિક પોલીસની મંજૂરીની જોવાતી રાહ: વિક્રોલી બ્રિજનું ૯૫ ટકા કામ પૂરું થયું

મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના ગોપાલકૃષ્ણ ગોખલે પુલનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની સાથે જ તેને વાહનવ્યહાર માટે ખોલી મૂકવામાં આવવાનો છે, તો વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજનું ૯૫ ટકા કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું કામ ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં પૂરું કરીને તેને ચોમાસા પહેલા ખુલ્લો મૂકી દેવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજના બીજા તબક્કામાં મુખ્ય કામ લગભગ ૧૦૦ ટકા પૂરું થઈ ગયું છે, તેમાં રેલવેની હદનું કામ, બંને બાજુએ ચઢાણ અને ઉતરાણનો રોડ તથા સી.ડી.બરફીવાલા પુલને જોડનારા કનેકટર કામનો સમાવેશ થાય છે. એન.એસ. ફટડે રોડ પરના તેલી ગલી બ્રિજ અને ગોખલે બ્રિજના વચ્ચેના ભાગનું કૉંક્રીટના કામનું ક્યુરિંગ શુક્રવારે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના પૂરું થયું હતં. પુલનું મુખ્ય બાંધકામ પૂરું થયા બાદ છેલ્લા તબક્કાના નાનાં-મોટાં કામ ચાલી રહ્યાં છે, જેમાં ક્રેશ બેરિયર, નોઈઝ બેરિયર, રેલિંગને કલર, થર્મોપ્લાસ્ટર, કેટ આઈઝ, ઈલેક્ટ્રિસિટીના થાંબલા, સાઈનેજ જેવા કામ અંતિમ તબક્કામાં છે. ટ્રાફિક પોલીસ સાથે પાલિકાના અધિકારીઓ સાથે તાજેતરમાં જ ઈન્સ્પેકશન કર્યું હતું. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી તમામ કામ કામ પુરાં થયા બાદ ટ્રાફિક પોલીસ સાથે સમન્વય સાધીને ગોખલે બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાનું અભિજિત બાંગરે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેવીપીડી અંતર્ગત ફ્લાયઓવરના પૂર્વ દિશા તરફના અપ્રોચ રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. બરફીવાલા પુલ જયાં ઉતરે છે તે ઠેકાણે સ્લીપ રોડ થોડો સાંકડો છે તેથી એપ્રોચ રોડનું કામ થયા બાદ ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે જેથી કરીને નવેસરથી ચાલુ થનારા બરફીવાલા પુલની દક્ષિણ તરફનો ઉતાર તરફનો ટ્રાફિક ચાલુ થશે. જુહુ ગલી જંકશનથી જેવીપીડી કામ ચાલુ રહેશે પણ તે ઠેકાણે બરફીવાલા પુલથી જનારા વાહનો માટે પૂરતો પહોળો રસ્તો ઉપલબ્ધ કરી આપવામાં આવવાનો છે.

વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા રેલવે ઓવર બ્રિજ બાબતે અભિજિત બાંગરે જણાવ્યું હતું કે પુલની કુલ પહોળાઈ ૧૨ મીટર અને લંબાઈ ૬૧૫ મીટરની છે, તેમાંથી ૫૬૫ મીટરનું કામ પાલિકાએ પૂરું કરી નાંખ્યું છે. આ પુલ પર નાખવામાં આવનારા ગર્ડર લગભગ પચીસ મેટ્રિક ટન વજનના છે અને તેની લંબાઈ ૨૫થી ૩૦ મીટરની છે. પુલના ગર્ડર ત્રણ તબક્કામાં નાખવામાં આવશે. દરેક તબક્કામાં છ એમ કુલ ત્રણ તબક્કામાં ૧૮ ગર્ડર નાખવામાં આવશે. પુલના કુલ ૧૯ થાંભલામાંથી પૂર્વમાં ૧૨ તો પશ્ર્ચિમમાં સાત થાંભાલા ઊભા થઈ ગયા છે. આ પુલનું લગભગ ૯૫ ટકા કામ થઈ ગયું છે, જેમાં પૂર્વમાં રેલવેની હદનું કામ અને પશ્ર્ચિમ બાજુમાં ચઢાણ અને ઉતરાણનાં કામનો સમાવેશ થાય છે. પુલનું પૂર્વમાં રેલવેની હદનું કામ પૂરું થઈ ગયું છે. પશ્ર્ચિમમાં સેન્ટ જોસેફ સ્કૂલ પાસે વળાંક છે, તેે ઠેકાણે પુલના ત્રણ સ્પાન પર કામ બાકી છે. તેના પર ડેક સ્લેબ નાખવામાં આવ્યો છે. આ કામ ટેક્નિકલી પડકારજનક છે. સ્કૂલ અને રેલવે સ્ટેશન નજીક હોવાથી સંભાળીને કામ કરવું પડી રહ્યું છે. છતાં ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં કામ પૂરું કરીને ચોમાસા પહેલા તેને ખુલ્લો મૂકવામાં આવશે. વિક્રોલી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા આ પુલને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસથી પવઈ જવામાં સમય અને ઈંધણની બચત થશે. ઘાટકોપર, વિક્રોલી અને કાંજુરમાર્ગ રેલવે સ્ટેશનથી પાંચ કિલોમીટરના પરિસરને આ પુલનો ફાયદો થશે.

આ પણ વાંચો…આખો ગોખલે પુલ હવે આવતા વર્ષે જ શરૂ થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button