ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટના રસ્તાનું સમારકામ કરાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટના રસ્તાનું સમારકામ કરાશે

મુંબઈ-અમદાવાદ હાઈવે અને ઘોડબંદર રોડના ટ્રાફિકમાં થશે રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટ, થાણેની દિશામાં આવતા રસ્તાની હાલત એકદમ ખરાબ હોવાથી અહીં ભારે ટ્રાફિક જૅમ થતો હોય છે અને તેની અસર છેક મુંબઈ- અમદાવાદ હાઈવેથી લઈને ઘોડબંદર રોડ સુધી થતી હોય છે. તેથી આ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે રૅપિડ હાર્ડનિંગ કૉંક્રિટનો પ્રયોગ કરવામાં આવવાનો છે.

ફાઉન્ટન હોટલથી થાણે તરફ આગળ કાજૂ પાડા, ચેના ગાવથી ગાયમુખ ઘાટનો રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. રસ્તા પર ખડી નાખીને ડામરનું ગ્રાઉટીંગ કરીને પણ રસ્તો વારંવાર ઉખડી રહ્યો છે. તેથી આ પટ્ટામાં વાહનવ્યવહારને ભારે અસર થઈ રહી છે. પીક અવર્સમાં થતા ટ્રાફિકની અસર છેક મુંબઈ-અમદાવાદ હાઈવે રોડ પર ચિંચોટી સુધી વર્તાય છે. તેમ જ મીરા રોડમાં અંદર સુધી પણ ટ્રાફિકને અસર થતી હોય છે.

મંગળવારે થાણે મહાનગપાલિકા કમિશનર સૌરભ રાવે એક બેઠક કરી હતી, જેમાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) સહિત મીરા-ભાયંદર મહાપાલિકાના સાર્વજનિક બાંધકામ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર, વન વિભાગના અધિકારી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારી પણ હાજર હતા. આ બેઠકમાં ગાયમુખ ઘાટના રસ્તા પર પડેલા ખાડાને હાલ ચોમાસાને ધ્યાનમાં રાખીને રૅપિડ હાર્ડનિંગ કૉંક્રિટનો ઉપયોગ કરીને ભરવાની સૂચના થાણે પાલિકા દ્વારા મીરા-ભાયંદર મહાનગરપાલિકાને આપવામાં આવી હતી.

રૅપિડ હાર્ડનિંગ કૉંક્રિટ ઓછા સમયમાં રસ્તા પર બેસી જાય છે. તેથી રસ્તો બંધ નહીં કરતા સમારકામ કરવું શક્ય બને છે. ગાયમુખના ઘાટના રસ્તા પરના ખાડાને કારણે નાગરિકોના કલાકો ટ્રાફિકમાં વેડફાઈ જતા હોવાને કારણે ખાડા પૂરવા આ ટૅક્નિકનો ઉપયોગ કરવાથી રાહત મળશે એવી સૂચના થાણે પાલિકા કમિશનરે આપી હતી.

આ બેઠકમાં ઘોડબંદર રસ્તા પરના સર્વિસ રોડ અને મુખ્ય રસ્તાને એક કરવાનું કામ વરસાદને કારણેે બંધ હોવાને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમુક જગ્યાએ મૂળ રસ્તો અને નવો રસ્તો અલગ પડી રહ્યો છે. તેથી આખા ઘોડબંદર રોડની એમએમઆરડીએ દ્વારા તરત ઈન્સ્પેકશન કરીને આવશ્યક સ્થળે રસ્તો એકસમાન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button