
ગણેશ મહોત્સવને આજે દસ દિવસ પૂર્ણ થયા છે. રિદ્ધી સિદ્ધીના પતી એવા અને શુભ લાભના પિતા ગણપતિ બાપ્પાને આજે અનંત ચૌદસના દિવસે વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે. ભક્તો વિધિવિહિત રીતે વિદાય આપવાની તૈયારીમાં લાગી ગયા છે.
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના બાદ ઘણા ભક્તો દોઢ, ત્રણ, પાંચ કે સાત દિવસની પૂજા પછી તેમને વિદા કરી ચૂક્યા છે, પરંતુ જો તમે પૂરા દસ દિવસની પૂજા કરીને બાપ્પાને વિદાય કરવા જઈ રહ્યા છો, તો તેમના આશીર્વાદ અને પુણ્ય મેળવવા માટે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિધિને અનુસરીને તમે ઉત્સવને અર્થપૂર્ણ બનાવી શકો છો અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો.
હિંદુ પરંપરા અનુસાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિનું વિસર્જન કરતા પહેલા તેમની પૂજા સંપૂર્ણ વિધિથી કરવી જોઈએ. આ દિવસે બાપ્પાને લાલ ફૂલો, સિંદૂર, નારિયેળ, મોદક, મોતીચૂરના લાડુ અને શેરડી જેવી વસ્તુઓ વિશેષ રીતે અર્પણ કરવી જોઈએ. માન્યતા છે કે વિસર્જનના દિવસે તેમના પ્રિય ભોગ ચઢાવીને તેને પ્રસાદ તરીકે વહેંચી અને પોતે પણ ગ્રહણ કરવાથી બાપ્પાની વિશેષ કૃપા મળે છે, જે જીવનમાં શુભતા લાવે છે.
સનાતન પરંપરામા દેવતાઓની પૂજા સાથે જોડાયેલી તમામ ક્રિયાઓ માટે મંત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે તમે ગણપતિને વિસર્જન માટે લઈ જાઓ ત્યારે તેમના નામના જયકારા લગાવો અને જળસ્ત્રોતમાં વિસર્જન કરતી વખતે ‘ॐ यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्. इष्टकामसमृद्धयर्थं पुनरपि पुनरागमनाय च.’ મંત્રનો જાપ કરો.
આ મંત્ર દ્વારા દસ દિવસની પૂજાને સ્વીકારીને તેમને ફરી આવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. જો મંત્ર બોલવામાં મુશ્કેલી હોય તો મનમાં તેમને તેમના સ્થાને પરત જવા અને જલ્દી ફરી આવવા માટે વિનંતી કરી શકો છો.
દસ દિવસ પછી જો તમે બાપ્પાની મૂર્તિને કોઈ પવિત્ર જળસ્થળ કે તીર્થમાં વિસર્જન કરવા જઈ રહ્યા છો, તો તેને ધીમે ધીમે આદર સાથે પાણીમાં વિસર્જિત કરો. તેને દૂરથી ફેંકીને તેમનું અપમાન કરવું નહીં. તેમ જ તેમની મૂર્તિને એવા જળસ્થળમાં વિસર્જન ન કરો જ્યાં તેમના અનાદરની શક્યતા હોય, જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે અને તમને તેમના આશીર્વાદ મળે.
ગણેશ વિર્સજન બાદ જે જળસ્થળ પર મૂર્તિ વિર્સજન કરવામાં આવ્યું હોય, તે નદી કે તળાવનું જળ એક કળશમાં ભરી ઘરે પરત લાવો. કળશના પવિત્ર જળને આખા ઘરમાં છાંટવું જોઈએ, કારણ કે હિંદુ માન્યતા અનુસાર આ જળ ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મકતા અને શુભતા ફેલાવે છે.
તેમ જ પૂજામાં અર્પિત કરેલા નારિયેળને તોડીને તેને પ્રસાદ તરીકે વહેંચો અને પોતે પણ ખાઓ. વળી, પૂજામાં વપરાયેલી દુર્વા અને સોપારીને જળમાં વહાવતી વખતે થોડી બચાવી લો અને પૂજામાં ચઢાવેલા સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને ધનના સ્થાને રાખો. દરરોજ તેને ધૂપ-દીપ બતાવીને પૂજા કરવાથી આખા વર્ષ શુભ અને લાભનું વાતાવરણ રહે છે.
આ પણ વાંચો…અનંત ચતુર્દશીના દિવસે આ રીતે બાંધજો અનંત સૂત્ર: ભગવાન વિષ્ણુ સંકટ દૂર કરી આપશે સુખ-સમૃદ્ધિ