આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી વખતે દાદરના શિવાજી પાર્કની ‘લાલ માટી’નો મુદ્દો ગાજ્યો

મુંબઈ: દાદરમાં આવેલા છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં લાલ માટીની સમસ્યા વર્ષો જૂની છે અને ખાસ કરીને ઉનાળાના તાપ અને ગરમી દરમિયાન ત્યાંના સ્થાનિક રહેવાસીઓને લાલ માટીના કારણે ખાસ્સી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. મુંબઇ મહાપાલિકાએ પણ શિવાજી પાર્ક મેદાનમાંથી ઉપરની માટી કાઢવાની કામગીરી શરૂ કરી છે, જોકે તે અત્યંત મંદ ગતિએ ચાલુ હોવાના કારણે સ્થાનિકોમાં નારાજગી છે.

હવે આ મુદ્દાનું કાયમી નિરાકરણ લાવવાની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે અને આ ચૂંટણીમાં સ્થાનિકોએ આ મુદ્દો મત માગવા આવનારા નેતાઓ સમક્ષ રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે. શિવાજી પાર્ક સંઘટના દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરવામાં આવી છે કે તમારી પાસે મત માગવા આવનારા લોકોને તમે પહેલા શિવાજી પાર્કની માટી કઢાવવાનું કહો. ‘એ મત માગવા આવશે, તમે તેમને માટી કાઢવાનું કહેજો’, એવા મથાળા સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને સ્થાનિક રહેવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: Live Link: રાહુલ ગાંધી શિવાજી પાર્ક પર શું બોલશે?

શિવાજી પાર્કમાં આવેલી માટીના કારણે સ્થાનિક રહેવાસીઓને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ધૂળ ઉડવાની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા લીલા ઘાસ ઉગાડવા, પર્જન્ય જળસંચય સિસ્ટમ, તુષાર સિંચન જેવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે.

જોકે, અધિકારીઓની બદલી તેમ જ રાજકીય નેતાઓના હસ્તક્ષેપના કારણે દરેક વખતે આ પ્રયોગો અધૂરા રહી જાય છે અને સમસ્યા જેમની તેમ રહે છે. જોકે, આ વખતે ચૂંટણી છે ત્યારે આ તકનો ઉપયોગ પોતાની સમસ્યા દૂર કરવા માટે કરવાની અપીલ સ્થાનિકોને કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button