બિહાર (Bihar) સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં પણ ગરમાવો, આ કૉંગ્રેસી નેતાની ભાજપમાં જવાની અટકળો તેજ
મુંબઈઃ એક તરફ બિહારમાં ફ્લોર ટેસ્ટની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ (Maharashtra Congress) ના મોટા નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચવ્હાણનો ફોન નોટ રિચેબલ છે. તેઓ કોઈના સંપર્કમાં નથી. આ સાથે તેઓ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
અશોક ચવ્હાણ કૉંગ્રેસ પક્ષનું મોટું નામ છે. 2014માં મોદીલહેર વચ્ચે પણ તેઓ નાંદેડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમની સાથે અન્ય વિધાનસભ્યો પણ પક્ષ છોડે તેવી સંભાવનાઓ છે. તેઓ આજે જ પોતાના વિધાનસભ્યપદ પરથી રાજીનામું આપે તેવી ચર્ચા છે અને ભાજપમાં જોડાશે તેમ માનવામાં આવે છે. તેમણે રાજીનામું આપ્યાના અહેવાલો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અશોક ચવ્હાણ પર ભાજપે જ આદર્શ કૌંભાંડનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારના આરોપને લીધે તેમણે મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.