આમચી મુંબઈમનોરંજન

રોહિત શેટ્ટીને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ ચાર મહિનાથી ચાલતું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ફિલ્મમેકર રોહિત શેટ્ટીને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ છેક ચાર મહિનાથી ચાલી રહ્યું હતું, એવી માહિતી પકડાયેલા આરોપીએ પોલીસને આપી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ગોળીબારની યોજનાના ભાગ રૂપે જ પુણેના રહેવાસી પાસેથી ચાર મહિના પહેલાં સેક્ધડ હેન્ડ સ્કૂટર ખરીદવામાં આવ્યું હતું અને ઇરાદાપૂર્વક તેનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરાયું નહોતું. સ્કૂટરનું રજિસ્ટ્રેશન મૂળ માલિકના નામે જ હોવાથી પોલીસને જ્યારે જૂહુ ચર્ચ પાસેથી સ્કૂટર મળ્યું ત્યારે શંકાના ઘેરામાં સૌપ્રથમ સ્કૂટર માલિક આવ્યો હતો.

પોલીસે સ્કૂટરના માલિકને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે આપેલી માહિતીની ખાતરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સ્કૂટરનો ઉપયોગ ગેરકાનૂની કામમાં થવાનો છે એની જાણકારી સ્કૂટર માલિકને નહોતી. આ ગોળીબારમાં તેની ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ થયું હતું. આખરે નોટિસ બજાવી તેને હાલમાં છોડી દેવાયો હતો.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ફરાર આરોપી શુભમ લોણકરની સૂચનાથી બે આરોપી સ્કૂટરને મુંબઈ લઈ આવ્યા હતા અને શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર કરનારા શૂટરને સોંપ્યું હતું. શૂટર એ સ્કૂટર લઈને જૂહુ પહોંચ્યો હતો. બે બિલ્ડિંગ પહેલાં જ સ્કૂટર પાર્ક કરીને તે શેટ્ટી ટાવર સામે ગયો હતો. ગોળીબાર પછી શૂટર ભાગતો સ્કૂટર પાસે આવ્યો હતો અને સ્કૂટર પર બેસી ફરાર થયો હતો. જોકે તુલિપ સ્ટાર હોટેલ નજીકના સિગ્નલ પાસે નાકાબંધી જોઈ ડરી ગયેલા શૂટરે ચર્ચ પાસે સ્કૂટર પાર્ક કરી દીધું હતું.

શૂટરને પિસ્તોલ-કારતૂસ અને ગોળીબાર માટે નાણાં કોણે પૂરાં પાડ્યાં તેની માહિતી પોલીસ મેળવી રહી છે. એ સિવાય પકડાયેલા આરોપી બિશ્ર્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.

આપણ વાંચો:  અજિત પવાર પ્લેન ક્રેશ: DGCA એ VSR વેન્ચર્સની સ્પેશિયલ ઓડિટના આદેશ આપ્યા

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button