પગમાંના વીંછિયા પરથી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમી સહિત બેની ધરપકડ
લગ્ન અને મિલકત માટે દબાણ કરનારી પ્રેમિકાનું માથું ધડથી અલગ કરી મૃતદેહ વૈતરણા નદી પાસે ફેંક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્ન અને મિલકત નામે કરવા માટે દબાણ કરનારી પ્રેમિકાને ફરવા માટે લોનાવલા લઈ જવાને બહાને તેનું માથું ધડથી અલગ કરી મૃતદેહ વૈતરણા નદીના પુલ પરથી ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. મહિલાના પગમાંના વીંછિયા પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પ્રેમી સહિત બે જણની ધરપકડ કરી હતી.
પાલઘર ક્રાઈમ બ્રાન્ચ અને મોખાડા પોલીસની ટીમે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સુનીલ ઉર્ફે ગોવિંદ યાદવ (45) અને મહેશ રવીન્દ્ર બડગુજર ઉર્ફે વિક્કી (31) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સોલાપુરમાં રહેતા આરોપી યાદવ અને ધુળે જિલ્લાના શિરપુર તાલુકામાં મૌજે લાકડે હનુમાન ખાતે રહેતી મૃતક મમતા વચ્ચે પ્રેમપ્રકરણ હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે યાદવ શિરપુરમાં રહેતા મિત્ર વિક્કીને ઘેર આવતો ત્યારે તેની ઓળખાણ મમતા સાથે થઈ હતી. બન્નેની મિત્રતા પ્રેમમાં પરિણમતાં મહિલા લગ્ન માટે યાદવ પર દબાણ કરતી હતી. એ સિવાય મિલકત પોતાના નામ પર કરવા મહિલા આરોપીને ધમકાવતી હતી. આ વાતથી કંટાળી યાદવે તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.
6 ફેબ્રુઆરીએ યાદવ તેના મિત્ર વિક્કી સાથે મમતાને મળવા ગયો હતો. લોનાવલા ફરવા જવાને બહાને કારમાં મહિલાને પાલઘર જિલ્લાના કારેગાંવ ખાતે લાવવામાં આવી હતી. કારમાં જ રૂમાલની મદદથી ગળું દબાવી મહિલાની હત્યા કરવામાં આવી હતી. નિર્જન સ્થળે તીક્ષ્ણ હથિયારથી મહિલાનું માથું ધડથી અલગ કર્યા પછી તેના મૃતદેહને વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંકવામાં આવ્યો હતો.
બીજી સવારે મહિલાનો મૃતદેહ મળતાં મોખાડા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહિલાના જમણા હાથ પર મમતા નામ ત્રોફેલું હતું અને પગની આંગળીમાંથી ચાંદીનો વીંછિયો મળી આવ્યો હતો. વીંછિયા પર ઈંગ્લિશ અક્ષર ‘એસડીએસ’ લખ્યું હતું, જે ધુળેના એક જ્વેલર્સની નિશાની હોવાનું તપાસમાં જણાયું હતું. વીંછિયા પરની જ્વેલર્સની નિશાનીને આધારે પોલીસે મહિલાની ઓળખ મેળવી હતી. મહિલા અને યાદવ વચ્ચે પ્રેમની વાત સામે આવતાં સોલાપુરથી યાદવને તાબામાં લેવાયો હતો. તેણે કરેલી કબૂલાત પછી વિક્કીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તાલુકાની મતદાર યાદીમાં 445 મમતા
વૈતરણા નદીને કિનારેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસ વીંછિયા પરના ‘એસડીએસ’ અક્ષરને આધારે ધુળે જિલ્લાના શિરપુર તાલુકાની દીક્ષા જ્વેલર્સ દુકાન સુધી પહોંચી હતી. દીક્ષા જ્વેલર્સના માલિક સુધાકર દીપચંદ સોનાર (એસડીએસ) હોવાનું જણાયું હતું. પોલીસને મળેલો વીંછિયો પાવરા સમાજની મહિલાઓ પહેરતી હોવાનું જ્વેલર્સે કહ્યું હતું. મહિલાના હાથ પર મમતા નામ ત્રોફાવેલું હોવાથી પોલીસે શિરપુર તાલુકામાં રહેતી મમતા નામની મહિલાઓની માહિતી એકઠી કરવાનું નક્કી કર્યું હતું. જોકે તાલુકાની મતદાર યાદી તપાસતાં શિરપુરમાં 445 મમતા રહેતી હોવાનું સામે આવ્યું હતું. આટલી બધી મમતામાંથી મૃતકને શોધી કાઢવાનું કપરું હોવાથી પોલીસે સ્થાનિક પોલીસ પાટીલોની મદદથી વ્હૉટ્સઍપનાં અલગ અલગ ગ્રૂપ બનાવ્યાં હતાં. આ ગ્રૂપને આધારે મૃતક મમતા લાકડે હનુમાન ગામમાં રહેતી હોવાનું શોધી કઢાયું હતું.