બુધવારે પારોે ૧૬.૨ ડિગ્રીમુંબઈમાં છેલ્લા એક દાયકાનું સૌથી નીચું તાપમાન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની બુધવારની સવાર અત્યંત ઠંડી રહી હતી. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાવાની સાથે જ લઘુતમ તાપમાનનો પારો ૧૬.૨ ડિગ્રી નોંધાયો હતો. બુધવારનો દિવસ ૧૬.૨૫ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા એક દાયકાનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો છેલ્લાં ૧૨ વર્ષમાં નવેમ્બરમાં નોંધાયેલું બીજા નંબરનું સૌથી નીચું તાપમાન પણ રહ્યું હતું.
મુંબઈમાં છેલ્લાં એક અઠવાડિયાથી વહેલી સવારના શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. બુધવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૬.૦૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઓછું હતું. ઉપનગરમાં ઠંડક વધારે જણાઈ હતી, તેની સામે શહેર વિસ્તારમાં ઠંડકનું પ્રમાણ થોડું ઓછું જણાયું હતુંં.
કોલાબામાં સવારના લઘુતમ તાપમાનનો પારો ૨૧.૬ ડિગ્રી નોધાયો હતો. બુધવારના સાંતાક્રુઝમાં નોંધાયેલા ૧૬.૨ ડિગ્રી તાપમાન સાથે જ છેલ્લા એક દાયકાનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં આ અગાઉ ૨૦૧૪ની સાલમાં નવેમ્બરમાં અને એ બાદ ૨૦૧૬ની સાલમાં ૧૧ નવેમ્બરના ૧૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ૨૦૧૨ની સાલમાં નવેમ્બર મહિનામાં ૧૪.૬ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું.
ગયા વર્ષે નવેમ્બરમાં પણ સૌથી નીચું લઘુતમ તાપમાન ૧૬.૫ ડિગ્રી ૨૯ નવેમ્બરના નોંધાયું હતું. નવેમ્બર મહિનાનું અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન ૧૯૫૦માં ૧૩.૩ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં નવેમ્બર મહિનાના દિવાળી પૂરી થવાની સાથે જ શિયાળાની હળવી ઠંડીનો અનુભવ મુંબઈગરા કરી રહ્યા છે. નવ નવેમ્બરના મોસમનો પહેલી વખત લઘુતમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રીથી નીચે ૧૯.૬ ડિગ્રી નોંધાયો હતો અને ત્યારથી લઘુતમ તાપમાન ધીમે ધીમે સરેરાશ તાપમાન કરતા નીચે ગયો છે.
જોકે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તાપમાન નીચું નોંધાવા માટે કમોસમી વરસાદ જવાબદાર રહ્યો હતો. મુંબઈમાં સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર દરમ્યાન હળવા શિયાળાનો અનુભવ થતો હોય છે. છેલ્લા આખા અઠવાડિયા દરમ્યાન લઘુતમ તાપમાન ૧૮-૧૯ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જેમાં ૧૬ નવેમ્બરે પહેલી વખત ૧૮ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું ને ૧૯ નવેમ્બર બુધવારના ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બુધવારે એક દાયકાનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો આ મહિનાની શરૂઆતમાં બે નવેમ્બરના દિવસનું મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી છેલ્લા એક દાયકાનું સૌથી નીચું નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું
રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૮ ડિગ્રીથી ૧૬ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન સોલાપુર જિલ્લાના જેઉરમાં ૭.૦ ડિગ્રી નોંધાયું હતું. તો જળગાંવમાં ૮.૧ ડિગ્રી, અહમદનગરમાં ૮.૫, માલેગાંવમાં ૯.૪, નાશિકમાં ૯.૭ ડિગ્રી પુણેમાં ૯.૫ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં૧૨.૫ ડિગ્રી, સતારામાં ૧૧.૦ ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો વિદર્ભના ગોંદિયા અને યવતમાળમાં ૧૦.૪ ડિગ્રી, અમરાવતીમાં ૧૧.૫ ડિગ્રી, નાગપુરમાં ૧૧.૪ ડિગ્રી, નાશિકમાં ૧૦.૬ ડિગ્રી, બુલઢાણામાં ૧૨.૮ ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ઠંડી વધી
મુંબઈ સહિત રાજ્યમાં શિયાળાની આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આ ઠંડી માટે હિમાલયથી ઉત્તર અને ઉત્તર-પૂર્વીય તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનો જવાબદાર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મઘ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મંગળવારે રાતના પૂર્વીય પવનો મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક મુંબઈ મેટ્રો રિજનથી ઠંડા પવનો મુંબઈ સુધી આવ્યા હતા અને તેને કારણે સવારે લઘુતમ તાપમાનમાં તીવ્ર ધટાડો થયો હતો.



