વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે શિંદે જૂથના વકીલે આપ્યું આ નિવેદન

મુંબઈ: વિધાનસભ્યની અપાત્રતા મુદ્દે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કોઈ નિર્ણય લીધો નથી. મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલો વિધાનસભાના સ્પીકરને મોકલી આપ્યો હતો, જેમાં આજે આ કેસની સુનાવણી સહ્યાદ્રી ખાતે હાથ ધરવામાં આવી હતી.
આ સમય દરમિયાન શિંદે જૂથના વકીલોએ માહિતી આપી છે કે ઠાકરે જૂથ તરફથી તમામ અરજીઓ એકસાથે સુનાવણી કરવાની વિનંતી કરી હતી. બંને પક્ષના વકીલોએ આજે ત્રણ કલાક સુધી દલીલો કરવામાં આવી હતી અને હવે આ મુદ્દે 20મી ઓક્ટોબરે નિર્ણય આપવામાં આવશે, એમ શિંદે જૂથના વકીલે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે શિવસેનાના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથની તેમ જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની અપાત્રતા અંગેની અરજીની સુનાવણી હાથ ધરી હતી.
એકનાથ શિંદે જૂથ દ્વારા અલગ સુનાવણીની માંગણી કરવામાં આવી છે. પણ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથે બધી અરજીઓ પાછળનું કારણ સરખું હોવાથી અલગ સુનાવણીની કોઈ જરૂર નહીં હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
નાર્વેકરે સુનાવણીની પ્રક્રિયા અગાઉ શરૂ કરી દીધી હતી, પણ શિંદે અને અન્ય 15 વિધાનસભ્ય સામેની વિધિસરની પહેલી સુનાવણી ગુરુવારે વિધાન ભવન ખાતે હાથ ધરવામાં આવી હતી.
દિવસ દરમિયાન સુનાવણી થયા પછી શિંદે જૂથના વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે અપાત્રતાની અરજી સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને એ વિશે કશુંક કહેવું છે. એટલે સંયુક્ત સુનાવણીને બદલે અમે અલગ સુનાવણીની માંગણી કરી છે. જોકે, તેમની માંગણીનો ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ વિરોધ કર્યો હતો.