રેલવેમાં લોકલ ટ્રેનોની ‘લેટ લતીફી’ વધીઃ પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનો મોડી પડવા છતાં રેલવે પ્રશાસન જાહેરાત કરીને છટકી જાય છે, પરંતુ વધતી પરેશાનીથી પ્રવાસીઓ પરેશાન છે. સવાર કરતા રાતની ટ્રેનો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં તેના ઉકેલ માટે રેલવે પ્રશાસન નક્કર પગલાં નહીં ભરતાં પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
શિયાળો જામી રહ્યો છે, તેની સાથે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેમાં ટ્રેનો રોજ મોડી પડે છે, તેથી કેન્સલેશન વધે છે. વિરારથી ચર્ચગેટ અને કર્જત/કસારાની સીએસએમટીની લોકલ ટ્રેનો રોજ મોડી પડે છે. મધ્ય રેલવેના અંબરનાથ અને બદલાપુર સ્ટેશનો પર અપ ફાસ્ટ લાઈનમાં સવારના નવથી આગયાર વાગ્યા સુધી મુંબઈ તરફ જનારી લોકલ ટ્રેનોમાં ભયંકર ભીડ જોવા મળે છે. ખાસ કરીને ફાસ્ટ અને એસી લોકલ ટ્રેનો મોડી પડતા ભીડ વધી જાય છે, તેથી મુંબઈ તરફ જતાં લોકોને અનેક વખત ટ્રેનોમાં ચડવા પણ નથી મળતું.
છેલ્લા અનેક દિવસોથી મધ્ય રેલવેમાં રોજ લોકલ ટ્રેનો અંદાજે 30 મિનિટથી વધુ મોડી દોડતી હોવાથી ટ્રેનની સાથે લોકલ ટ્રેનોમાં ભીડ વધે છે. ટ્રેનો મોડી પડવા છતાં અમુક વખત એનાઉન્સમેન્ટ કરીને રેલવે માત્ર હાથ ઊંચા કરી લેવામાં આવે છે. રોજ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડતી હોવા છતાં રેલવે કોઈ દરકાર લેતું નથી, એમ કલ્યાણના રહેવાસી સુશીલ પાંડેએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેમાં બદલાપુર, અંબરનાથ, કલ્યાણ, ડોંબિવલી સહિત અન્ય મહત્ત્વના સ્ટેશનો પર પણ સવાર-સાંજે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. અહીંથી મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યા સૌથી વધારે હોય છે. ઓફિસ અવર્સમાં લોકલ ટ્રેનો મોડી પડતાં સિનિયર સિટિઝન, મહિલા સહિત વિદ્યાર્થીઓ/વિકલાંગ પ્રવાસીઓને ભયંકર ભીડ સામનો કરવાની સાથે લોકોને ટ્રેનના દરવાજા પર લટકીને પ્રવાસ કરવો પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે, એમ ડોંબિવલીના રહેવાસી લાલુ પંજાબીએ જણાવ્યું હતું.
થાણે તરફ જતાં આ માર્ગ પર લોકલ ટ્રેનો સાથે એક્સ્પ્રેસ અને ગૂડ્સ ટ્રેનો પણ દોડાવવામાં આવે છે, જેની અસર લોકલ ટ્રેનો પર થતી હોય છે. અનેક વખત આ સ્પેશિયલ ટ્રેનોને પાંચમી અને છઠ્ઠી ફાસ્ટ લાઇન પર દોડાવવાને બદલે સ્લો ટ્રેક પર દોડાવવામાં આવે છે, જેથી સ્લો લાઇન પરની લોકલ ટ્રેનો મોડી પડે છે. આ સ્લો ટ્રેક પર અનેક વખત ફાસ્ટ લોકલ ટ્રેનો પણ દોડે છે જેથી ટ્રેનના સમયપત્રકમાં મોટો ફેરફાર થાય છે જેનો ફટકો લોકલ ટ્રેનોના પ્રવાસીઓને પડે છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
વાતાવરણમાં પલટા સાથે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા પર અસર પડી રહી છે, પરંતુ પહેલા જેટલી અસર થતી નથી. મોર્નિંગમાં ફોગ વધ્યા પછી વિઝિબિલિટી ઝાંખી પડવાને કારણે અમુક સેક્શનમાં ટ્રેનોને રિસ્ટ્રિક્ટ મોડમાં દોડાવાય છે, તેથી ટ્રેનસેવા પર અસર થાય છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.