
મુંબઈ: નાંદેડ જિલ્લાના હિમાયત નગર વિસ્તારમાં ઓનર કિલિંગની ઘટના બની હતી. પોલીસે આ બાબતે માહિતી આપી હતી કે એક માતા-પિતાએ બદનામીના ભયથી પોતાની પુત્રી પર ધારદાર હથિયાર વડે ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી. હિમાયત નગર શહેરના નેહરુ નગરમાં આ ઘટના બની હતી. જેથી આ મામલે હવે ગુનો નોંધવામાં આવ્યો છે.
હિમાયત નગર પોલીસ સ્ટેશનમાં ઓનર કિલિંગનો ગુનો દાખલ કરી આરોપી મા-બાપની ધરપકડ કરવામાં આવી હતી. મૃત છોકરી એક છોકરા સાથે ભાગી ગઈ હતી. આ વાતને લીધે આરોપી મા-બાપે તેમની દીકરીની હત્યા કરી હતી અને કેસની વધુ તપાસ ચાલી રહી હોવાની માહિતી પોલીસે આપી હતી.
નાંદેડ જિલ્લાના હિમાયત નગરમાં રહેતા એક કુટુંબને યુવતીએ એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ હોવાની વાત જાણવા મળી હતી, તેમણે યુવતીને વારંવાર સમજાવ્યા છતાં યુવતીએ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાને લઈને યુવતીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ યુવતીને તેના માતા-પિતાને સોંપી હતી. જોકે યુવતીએ ભાગી ગયેલા છોકરા સાથે લગ્ન કરવાની જીદ કરતાં માતા-પિતાએ ધારદાર હથિયાર વડે ઘા કરી તેને મારી નાખી હતી.
આ ઘટના પછી યુવતીને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે આપઘાત કર્યો હોવાનું યુવતીના માતા-પિતાએ ડૉક્ટરને કહ્યું હતું, પણ સારવાર દરમિયાન યુવતીના શરીર પર જખમ દેખાતા ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ હોસ્પિટલમાં પહોંચી મૃતક યુવતીના મા-બાપને તાબામાં લીધા હતા, અને આગળની તપાસ શરૂ કરી હતી.