પત્ની નારાજ થઈને પિયરે જતા પતિએ કર્યું આ ‘કારસ્તાન’, 10 દિવસ પછી આરોપી પકડાયો

મુંબઈ: દિલ્હીના કાપસહેડામાં પતિથી નારાજ થઈને પત્ની પોતાના પિયરે જતા પોતાના અગિયાર વર્ષના સાળાનું અપહરણ કરી નાખવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, ત્યારબાદ તેને ઘરે પાછી મોકલવાનો સસરાને ધમકી પણ આપી હતી. આ બાબતની પોલીસને ફરિયાદ કર્યા પછી અપહર્ણકર્તા પાસેથી દસ દિવસમાં છુટકારો કરાવ્યો હતો તેમ જ આરોપીની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ આરોપીની પત્ની તેની દીકરીને લઈને પોતાના પિયરે ગઈ હતી. આ વાતને લઈને આરોપીએ તેના સાળાનું અપહરણ કર્યું હતું અને તેના સસરાને ફોન કરીને દીકરીને તેની પાસે પાછી મોકલે નહીં તો તે તેમના દીકરાને મારી નાખશે એવી ધમકી આપી હતી. આ મામલે પીડિતના સસરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે 10 દિવસ બાદ આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી.
દિલ્હીથી સાળાનું અપહરણ કરીને આ આરોપી મહારાષ્ટ્રના અહમદનગર લઈ ગયો હતો. એક અધિકારીએ કહ્યું હતું કે આ આરોપી અને તેની પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો જેને લઈને તે પોતાના મમ્મીના ઘરે ગઈ હતી. આ વાતને લઈને બદલો લેવા માટે આરોપીએ તેના 11 વર્ષના સાળાનું અપહરણ કરીને તેને અહમદનગર લઈ આવ્યો હતો. આ આરોપીની ઓળખ 33 વર્ષના સમીર તરીકે કરવામાં આવી છે. ચાર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને બન્ને એક દીકરી પણ હતી.
એક મહિના પહેલા આરોપીની પત્ની દીકરીને લઈને તેના પિયરે ગઈ હતી અને ત્યાર બાદ 23 ફેબ્રુઆરીએ તેમનો 11 વર્ષનો દીકરો ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન આરોપી સમીરે ફોન કરીને કહ્યું હતું કે મારી પત્ની અને દીકરીને ઘરે મોકલી દો નહીં તો હું તમારા દીકરાને મારી નાખીશ. ત્યાર બાદ આ વાત પીડિતના પિતાએ પોલીસને કહી હતી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરતાં આરોપીના ફોનને ટ્રેક કરી તેને મહારાષ્ટ્રના અહમદનગરથી પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સમીરની પત્ની એ કહ્યું હતું કે દારૂની આદતને કંટાળીને તેણે સમીરને છોડી દીધો હતો.