પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરી પતિ ફરાર
આરોપીના દારૂના વ્યસનને કારણે પરિવાર અલગ રહેતો હતો: ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલી બૅટ મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના કાસારવડવલી ગામમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પતિએ પત્ની અને બે માસૂમ સંતાનની ક્રૂરતાથી હત્યા કરી હતી. અલગ રહેતા પરિવારને મળવાને બહાને હરિયાણાથી આવેલા આરોપીએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલી ક્રિકેટ બૅટ મળી આવી હોઈ પોલીસ ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે.
કાસારવડવલી પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે બનેલી ઘટનામાં મૃતકોની ઓળખ ભાવના અમિત બાગડી (24), છ વર્ષની પુત્રી ખુશી અને આઠ વર્ષના પુત્ર અંકુશ તરીકે થઈ હતી. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી ઘટના બાદથી ગુમ ભાવનાના પતિ અમિત ધર્મવીર બાગડી (29)ની શોધ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાગડી દંપતી બે સંતાન સાથે હરિયાણાના ઈસાર જિલ્લામાં આવેલા ખરડાલીપુર ગામમાં રહેતું હતું. અમિતને દારૂ પીવાનું વ્યસન હતું, જેને કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. વળી, છેલ્લા કેટલાક સમયથી તે બેરોજગાર હતો. પતિના કથિત ત્રાસથી કંટાળી ભાવના બન્ને સંતાન સાથે દિયર વિકાસ બાગડી સાથે રહેવા થાણે આવી ગઈ હતી.
વિકાસ અમિતનો નાનો ભાઈ છે અને કાસારવડવલીના સાંઈનગર ખાતે બે વર્ષ રહ્યા પછી તે કાસારવડવલી ગામમાં ફરિયાદી જયવંત શિંગેની રૂમમાં છેલ્લાં સાત વર્ષથી રહે છે. પત્ની અને બે બાળકોને મળવાને બહાને આરોપી અમિત ત્રણ દિવસ અગાઉ થાણે આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હાઉસકીપિંગનું કામ કરનારો વિકાસ ગુરુવારની સવારે સાત વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. બપોરે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ તે પાછો ફર્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરમાં ભાવના અને તેનાં બે સંતાનના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા અને ભાવનાનો પતિ અમિત ગુમ હતો.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ઘરમાંથી લોહીથી ખરડાયેલી બૅટ મળી આવી હતી. બૅટ ફટકારીને ત્રણેયની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
કાસારવડવલી ગામ સાત વર્ષ પછી ફરી હત્યાકાંડથી હચમચ્યું
આઈપીએસ અધિકારી આશુતોષ ડુંબરેએ થાણેના પોલીસ કમિશનરનું પદ સ્વીકાર્યું એ જ દિવસે કાસારવડવલી ગામ સાત વર્ષ પછી ફરી કૌટુંબિક હત્યાકાંડથી હચમચી ઊઠ્યું હતું. 2016માં પણ આ ગામમાં એક જ પરિવારના 14 જણની નિઘૃણ હત્યા કરવામાં આવી હતી. આશ્ર્ચર્યજનક રીતે એ સમયે આશુતોષ ડુંબરે જૉઈન્ટ પોલીસ કમિશનર હતા.
28 ફેબ્રુઆરી, 2016ના રોજ આરોપી હસનૈન વારેકરે પરિવારના 14 જણની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી. આ હત્યાકાંડમાંથી હસનૈનની બહેન એકમાત્ર જીવતી બચી ગઈ હતી. તેણે આપેલી માહિતી પરથી પોલીસને હત્યાકાંડની વિગતો જાણવા મળી હતી.
શૅર ટ્રેડિંગમાં દેવાદાર બનેલા હસનૈને સગાંસંબંધીઓ પાસેથી લગભગ 60 લાખથી વધુ રૂપિયા ઊછીના લીધા હતા. આ રકમ તે પાછી ચૂકવવામાં અસમર્થ હતો. હતાશામાં તેણે આવું પગલું ભર્યું હોવાનું તે સમયે સામે આવ્યું હતું. એ ઘટનાના સાત વર્ષ પછી ગુરુવારે ફરી આ ગામમાં હત્યાકાંડ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.