લોકલ ટ્રેનમાં યુવતીએ કર્યો ડાન્સ, કોન્સ્ટેબલ પણ ઝૂમ્યો

મુંબઈઃ સોશિયલ મીડિયાના જમાનામાં રોજેરોજ રીલ્સ ઉતારનારાની સંખ્યામાં વધારો થયો છે, જેમાં જાહેર સ્થળોએ હવે લોકો હદ વટાવીને રીલ્સ ઉતારી રહ્યા છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન હોય કે લોકલ ટ્રેન પણ હવે લોકો બિંદાસ મનફાવે એમ રીલ્સ ઉતારીને મોજ કરતા જોવા મળે છે, જેમાં તાજેતરમાં મુંબઈની લોકલ ટ્રેનમાં એક યુવતીએ બોબી દેઓલના ગીત પર ડાન્સ કર્યો હતો.
મુંબઈની લોકલ ટ્રેનમાં આ યુવતી ઓપન પેસેજમાં ડાન્સ કર્યો હતો, જેમાં મહિલા કોચમાં ડ્યૂટી પરના કોન્સ્ટેબલ પણ ઝૂમ્યો હતો. છોકરીએ ડાન્સ તો કર્યો હતો, પરંતુ ડ્યૂટી પરના પોલીસ કોન્સ્ટેબલે ઠુમકા માર્યા હતા, જેને કારણે લોકોએ યુવતીને સાથે પોલીસની પણ ટીકા ટિપ્પણી કરી હતી.
એનિમલ ફિલ્મનું જાણીતા ગીતની ટ્યુન પર યુવતી ડાન્સ કરતી જોવા મળે છે, ત્યારબાદ પોલીસે તેને બાજુમાં ડાન્સ કરવા કહે છે, પણ તેનું શૂટિંગ કર્યા પછી કોન્સ્ટેબલ પણ ડાન્સ કરે છે. યુવતીની સાથે કોન્સ્ટેબલ ડાન્સ કરે છે, જેમાં પંદર સેકન્ડનો વીડિયો વાઈરલ થયા પછી અમુક લોકોને મોજ પડી હતી, જ્યારે અમુક લોકોએ યુવતીની ટીકા કરી હતી.

એક યૂઝરે કહ્યું હતું કે મહિલા કોચમાં મહિલાઓની સુરક્ષા માટે કોન્સ્ટેબલને તહેનાત કરવામાં આવે છે, પરંતુ જો આ રીતે મહિલાઓ પોતાની હદ ભૂલીને આ રીતે પોલીસને આગ્રહ કરે એ યોગ્ય નથી, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે કોન્સ્ટેબલે પણ આ પ્રકારે વીડિયો લેતા હોય તો અટકવું જોઈએ.

આ મુદ્દે રેલવે પોલીસે તરત કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ મુંબઈ સબર્બનમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પ્રવાસીઓ પણ રેગ્યુલર પ્રવાસ કરે છે. મહિલાઓ માટે અલગ કોચની સાથે વિશેષ લોકલ ટ્રેનની સુવિધા છે, પરંતુ મહિલા/યુવતીઓ આ રીતે ભાન ભૂલીને આ પ્રકારની હરકત કરે તો એ મહિલાઓની સુરક્ષા માટે જોખમી છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.