આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી ટોળકી પોલીસના સકંજામાં

મુંબઈ: આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી અને બોગસ જામીનદારને કોર્ટમાં હાજર કરનારી ટોળકીના પાંચ સભ્યને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો તથા લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-6ના અધિકારીઓએ ઝડપી પાડેલા આરોપીઓની ઓળખ અમિત નારાયણ ગિજે (44), બંડુ વામન કોરડે (44), અહમદ કાસિમ શેખ (44), સંજીવ સોહનલાલ ગુપ્તા (34) અને ઉમેશ અર્જુન કાવલે (48) તરીકે થઇ હતી.
માનખુર્દના મહાત્મા ફૂલે નગરમાં અમુક લોકો મુંબઈ, નવી મુંબઈ, થાણે તથા અન્ય જિલ્લામાંનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ ગુનામાંના આરોપીઓને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપે છે. ઉપરાંત બોગસ જામીનદારને પણ કોર્ટમાં હાજર કરીને તેમને જામીન અપાવે છે, એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને મળી હતી.
આપણ વાંચો: બસપાના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ
આ માહિતીને આધારે પોલીસ ટીમે બુધવારે મહાત્મા ફૂલે નગરમાં છાપો મારીને અમિત ગિજે અને બંડુ કોરડેને તાબામાં લીધા હતા. બંનેની પૂછપરછમાં તેમના ત્રણ સાથીદારનાં નામે સામે આવ્યાં હતાં. પોલીસે બાદમાં છેડાનગરથી અહમદ શેખ, ભિવંડીથી સંજીવ ગુપ્તા અને કલ્યાણથી ઉમેશ કાવલેને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી બોગસ રેશનકાર્ડ, વિવિધ કંપનીનાં ઓળખપત્રો, પેનકાર્ડ, એક જ વ્યક્તિના વિવિધ નામે તૈયાર કરાયેલા આધાર કાર્ડ, પાલિકાની ટેક્સની રસિદો તથા અન્ય મતા જપ્ત કરાઇ હતી. પાંચેય આરોપી વિરુદ્ધ માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.