નાશિકમાં માત્ર ઇકો કારના જ સાઇલેન્સર ચોરતી ગેન્ગ આખરે પોલીસના સકંજામાં
આરોપીઓ સાઇલેન્સરમાંનું પ્લેટિનમ કાઢીને વેચી દેતા હતા
નાશિક: નાશિકમાં છેલ્લા બે મહિનામાં માત્ર મારુતિ ઇકો કારને ટાર્ગેટ કરીને તેનું સાઇલેન્સર ચોરતી ટોળકીને પોલીસે ઝડપી પાડીને લોકઅપભેગી કરી દીધી હતી. આરોપીઓ સાઇલેન્સર ચોર્યા બાદ તેમાંનું પ્લેટિનમ કાઢી લેતા હતા અને ઉત્તર પ્રદેશમાંના પોતાના બે સાથીદારોની મદદથી તેને વેચી દેતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
નાશિકમાં છેલ્લા બે મહિનામાં ઇકો કારના સાઇલેન્સરની ચોરીના કિસ્સા ઉપરાછાપરી બનતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે તમામ ઘટનાસ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાંના બે ફૂટેજ પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ અગાઉ કારની રેકી કરતા હતા અને રાતના સમયે તેનું સાઇલેન્સર માત્ર પાંચ મિનિટમાં ચોરતા હતા.
સિડકો વિસ્તારમાં કેવલ પાર્ક ખાતે રહેતા વેપારી અમોલ યેવલેની ઇકો કારનું સાઇલેન્સર ચોરાતાં નવું સાઇલેન્સર બેસાડવા માટે તેને રૂ. 86 હજાર ખર્ચવા પડ્યા હતા. યેવલેએ આ પ્રકરણે અંબડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો.
દરમિયાન પોલીસની વિશેષ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે અમલનેર, ધુળે અને જળગાવ ખાતે તપાસ કરીને સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આમાંના બે જણ ઉત્તર પ્રદેશના વતની હોઇ અમલનેરનો મનીષ મહાજન આ ટોળકીનો માસ્ટરમાઇન્ડ છે. મનીષ ગેરેજમાં કામ કરતો હોવાથી તે જાણતો હતો કે ઇકો કારના સાઇલેન્સરમાં ધુમાળો ફિલ્ટર થવા માટે પેલેડિયમ અને પ્લેટિનમ જેવી ધાતુ હોય છે. પ્લેટિનમ વેચે તો તેના સારા પૈસા મળતા હોવાથી મનીષે નાશિકમાં ખાનગી કંપનીમાં કામ કરનારા તેના જૂના મિત્ર સાથે મળી ઇકો કારના સાઇલેન્સર ચોરવાનું શરૂ કર્યું હતું.
સાઇલેન્સર ચોર્યા બાદ તેમાંનું પ્લેટિનમ કાઢીને ઉત્તર પ્રદેશમાંના તેમના સાથીદાર અસલમ ખૈરાતી ખાન અને પ્યારેલાલ ફિરાત અલીની મદદથી તે વેચી દેતા હતા. આરોપીઓએ નાશિક સહિત અન્ય જિલ્લામાં આવા 30થી 35 ગુના આચર્યા હોવાની પોલીસે શંકા છે. આરોપીઓ પ્લેટિનમ કોને વેચતા હતા તેની તપાસ ચાલી રહી છે.