ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓ પર હશે હવે ‘માર્શલ’ની નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ટૂંક સમયમાં ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓનું આવી બનવાનું છે. ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહન પાર્ક કરીને સમસ્યા ઊભી કરનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગમે ત્યાં વાહન પાર્ક કરનારા પર હવે માર્શલો નજર રાખશે.
મુંબઈમાં પીક અવર્સમાં જ નહીં પણ સામાન્ય કલાકોમાં પણ વાહનોને પાર્ક કરવા માટે જગ્યા ઉપલબ્ધ નથી. રસ્તા પર ગમે ત્યાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરવાને કારણે પણ પાર્કિંગ જ નહીં, પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા ગેરકાયદે પાર્કિંગ કરનારા પર નજર રાખવા વોર્ડ સ્તરે માર્શલ નીમવાની છે. ટૂંક સમયમાં તે માટે ટેન્ડર બહાર પાડીને તેને અમલમાં મૂકવામાં આવવાનું છે.
મુંબઈમાં પબ્લિક પાર્કિંગ લોટની સાથે જ ખાનગી પાર્કિંગ લોટ પણ છે. છતાં વાહનચાલકો પૈસા ભરીને વાહનો પાર્ક કરવાને બદલે મહાનગરના રસ્તાઓની બંને તરફ મન ફાવે તેમ વાહનો ઊભા કરી નાખતા હોય છે, તેને કારણે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે પણ સાથે જ પાર્કિંગ કરેલા સ્થળે કચરાના ઢગલા પણ થતા હોય છે. તો ગમે ત્યાં પાર્ક કરેલા વાહનો સુરક્ષાની દ્દષ્ટિએ પણ જોખમી બની શકે છે. રસ્તા પર ગેરકાયદે રીતે પાર્ક કરવા આવતા વાહનો સામે મુખ્ય પ્રધાને નારાજગી વ્યક્ત કર્યા બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલ આ સમસ્યા દૂર કરવા પર ધ્યાન આપ્યું છે, જે અંતર્ગત મુંબઈમાં વોર્ડ સ્તરે માર્શલની નિમણૂક કરાશે અને તેઓ વાહનચાલકોને ગમે ત્યાં વાહનો પાર્ક કરતા રોકવાનું કામ કરશે.