મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્ય ટાઢુંબોળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ ઠંડી અચાનક ગાયબ થઈ છે તો વિદર્ભ સહિત સમગ્ર રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. વિદર્ભના યવતમાળમાં સૌથી વધુ ઠંડી રહી હતી અને લઘુતમ તાપમાનનો પારો ૯.૦ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આગામી બે દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો હજી નીચે ઉતરે એવી શક્યતા છે.
દક્ષિણ કોંકણ પરિસરમાં ચક્રવાત સ્થિતિ તૈયાર થઈ હોવાથી મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું જણાઈ રહ્યું છે. વાદળિયા વાતવરણ વચ્ચે મુંબઈમાંથી અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે દિવસ લઘુતમ તાપમાનનો પારો ૧૯.૪૭ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે અચાનક બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ફરી ૨૩થી ૨૪ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હોવાથી ગરમી જણાઈ રહી છે. તો મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે.