લોનાવલામાં ધોધમાં તણાયેલા પાંચેય જણના મૃતદેહ મળી આવ્યા
પુણે: લોનાવલામાં ભૂશી ડેમ નજીક રવિવારે ધોધમાં તણાયેલા પરિવારના પાંચ સભ્યોમાંથી મહિલા અને બે સગીરાના મૃતદેહ મળી આવ્યા બાદ રેસ્ક્યુ ટીમે સોમવારે બાકીના બે બાળકના મૃતદેહોને પણ શોધી કાઢ્યા હતા.
રવિવારે બપોરના ભારે વરસાદને કારણે વહેતા પાણીમાં પાંચ જણ તણાઇ ગયાં હતાં અને થોડા કલાકો બાદ શાહિસ્તા લિયાકત અન્સારી (36), અમિના આદિલ અન્સારી (13) અને ઉમેરા આદિલ અન્સારી (8)નાં મૃતદેહ મળી આવ્યા હતા.
નેવીના ડાઇવર્સ તેમ જ અન્ય બચાવ ટીમોએ ગુમ બે બાળકોને શોધવાનું કામ સોમવારે પણ ચાલુ રાખ્યું હતું અને દુર્ઘટનાસ્થળથી નજીકના જળાશયમાંથી મારિયા અન્સારી (9)નો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે સાંજે અદનાન સબાહત અન્સારી (4)નો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: લોનાવલામાં ભૂશી ડેમ નજીક ધોધમાં મહિલા સહિત બે ડૂબ્યા, ત્રણ બાળક ગુમ
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે પરિવારના કેટલાક સભ્યો પાણીના ધોધની વચ્ચે ઊભા છે. વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં આખો પરિવાર અટવાઇ ગયો હતો. તેઓ એકબીજાને પકડીને આધાર આપતા હતા અને મદદ માટે બૂમો પાડતા હતા.
તેમના અન્ય સંબંધીઓ, પર્યટકો, સ્થાનિકો તેમને એકબીજાને ઘટ્ટ પકડી રાખવાની સલાહ આપતા હતા. અમુક લોકો તેમને બચાવવા માટે તૈયારી કરતા હતા, જ્યારે અમુક લોકો વીડિયો ઉતારતા હતા. દરમિયાન પાણીના પ્રવાહનું જોર વધુ વધતાં નાનું બાળક લઇને ઊભેલી મહિલા સૌપ્રથમ તણાઇ ગઇ હતી. બાદમાં બાળકી તથા બાકીના બે જણ પણ તણાઇ ગયાં હતાં.
પુણેના હડપસર વિસ્તારના સૈયદ નગરમાં 16-17 જણનો પરિવાર રવિવારે ખાનગી બસમાં લોનાવલા નજીક પિકનિક મનાવવા માટે આવ્યો હતો. ભુશી ડેમથી થોડે દૂર પાણીનો ધોધ જોવા માટે તેઓ ગયા હતા. જોકે ભારે વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં અધવચ્ચે જ તેઓ અટવાઇ ગયા હતા. (પીટીઆઇ)