એક વ્યક્તિના શાસનના દિવસો પૂરા થયા: શરદ પવાર
પુણે: એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે બુધવારે કહ્યું હતું કે એક વ્યક્તિના શાસનના દિવસો હવે પૂરા થઈ ગયા છે, કેન્દ્રમાં ભાજપ અન્ય પાર્ટીઓની મદદ વગર સરકાર ગઠિત કરી શકી ન હોત. હવે મોદી ગેરેન્ટી પૂરી થઈ ગઈ છે. આ સુધારો મતદારોની શક્તિને કારણે આવ્યો છે.
પુણેના બારામતી મતદારસંઘમાં આવતા પુરંદર તહેસીલમાં જળસંકટની સમીક્ષા કરવા માટે આયોજિત બેઠકમાં હાજરી આપ્યા બાદ તેઓ બોલી રહ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણી માટે તૈયાર રહો: પાર્ટી સ્થાપના દિવસે એનસીપી (એસપી) કાર્યકરોને શરદ પવારની હાકલ
ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને કેન્દ્રમાં નવી સરકારનું ગઠન થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં એક વ્યક્તિની સરકાર હતી, પરંતુ હવે તેમાંથી તંત્રને મુક્તિ મળી છે. આ વખતે સરકાર અન્ય લોકોની મદદથી બનાવવામાં આવી છે. સ્થિતિ એવી હતી કે બિહારના મુખ્ય પ્રધાન (નિતીશ કુમાર) અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન (એન. ચંદ્રાબાબુ નાયડુ)ની મદદ વગર સરકાર બનવાનું શ્કય નહોતું. આથી હવે એવું કહી શકાય કે હવે એક વ્યક્તિ સરકાર ચલાવે એ દિવસો પૂરા થઈ ગયા છે. આની સાથે જ મોદીની ગેરેન્ટીની જે વાતો આપણે સાંભળી રહ્યા હતા તેનો પણ અંત આવી ગયો છે અને આ બધું ખતમ કરવાની શક્તિ તમારી પાસે રહેલી છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો
લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ ચિત્ર જોવા મળશે. હું રાજ્યમાં સત્તાની ધુરા તમારા હાથમાં સોંપી દઈશ. આ સત્તાનો ઉપયોગ મહત્ત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે કરવામાં આવશે અને તેને માટે મને તમારા સહકારની આવશ્યકતા છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)