કોર્ટે એક જ દિવસે બે અલગ કેસમાં બન્ને ભાઈને સજા ફટકારી
20 રૂપિયા માટે સ્ક્રૂડ્રાઈવરના 50 ઘા ઝીંકી માતાની હત્યા બદલ એક ભાઈને જનમટીપ, જ્યારે દાદી-કાકાની મારપીટ કરનારા બીજા ભાઈને એક વર્ષની કેદ

થાણે: થાણે કોર્ટના જજે એક જ દિવસે બે અલગ અલગ કેસમાં આપેલા ચુકાદામાં બન્ને સગા ભાઈને સજા ફટકારી હતી. માત્ર 20 રૂપિયા માટે સ્ક્રૂડ્રાઈવરના 50 ઘા ઝીંકી માતાની હત્યા કરવા બદલ એક ભાઈને આજીવન કારાવાસ, જ્યારે બીજા ભાઈને દાદી અને કાકાની મારપીટ કરવાના કેસમાં એક વર્ષની સખત કેદની સજા કોર્ટે સંભળાવી હતી.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. બી. અગરવાલે પાંચ દિવસ અગાઉ આપેલા બન્ને કેસના ચુકાદાની નકલ બુધવારે પ્રાપ્ત થઈ હતી.
જજે આરોપી વિશાલ અરુણ અલઝેન્ડેને 2021માં તેની માતાના હત્યા કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો. માતા રિક્ષાના ભાડા પેટે રોજ 20 રૂપિયા વિશાલને આપતી હતી, જેને લઈ તેમની વચ્ચે વિવાદ થયો હતો. આરોપીએ સ્ક્રૂડ્રાઈવરથી 50 વાર ઘા કર્યા હતા, એવું તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું.
વિશાલના ભાઈ વિષ્ણુને 2016માં દાદી અને કાકાની મારપીટના કેસમાં કસૂરવાર ઠેરવાયો હતો. વિષ્ણુ પર તેના પિતાની હત્યાનો આરોપ પણ હતો, પરંતુ તે કેસમાં પુરાવાને અભાવે કોર્ટે તેને નિર્દોષ છોડ્યો હતો.
એ. પી. લાડવંજારી અને રશ્મી ક્ષીરસાગરે ફરિયાદ પક્ષની બાજુ કોર્ટમાં રજૂ કરી હતી, જ્યારે બચાવ પક્ષના વકીલ સાગર કોલ્હે અને સંજય ગાયકવાડ હતા. (પીટીઆઈ)