આમચી મુંબઈમહારાષ્ટ્ર

અંધેરીમાં પાઈપલાઈન ફોડનારા કૉન્ટ્રેક્ટરે પાલિકાની નોટિસની કરી અવગણના

પાલિકાની આકરા પગલા લેવાની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અંધેરી-સીપ્ઝમાં મેટ્રોના કામ દરમિયાન પાઈપલાઈન ફોડવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ દંડની રકમ ભરવા ફટકારેલી નોટિસની કૉન્ટ્રેક્ટરે અવગણના કરી છે. તેથી પાલિકાએ સંબંધિતોને ફરી નોટિસ ફટકારી આકરા પગલાં લેવાની ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

અંધેરીમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ૩૦ નવેમ્બરના વેરાવલી સર્વિસ રિઝર્વિયરની મેઈન પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. તેને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. તેથી પાઈપલાઈનને નુકસાન પહોંચાડવા બદલ પાલિકાએ એક કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો હતો. અઠવાડિયા બાદ પણ કૉન્ટ્રેક્ટરને દંડની રકમ ભરી નથી.

અંધેરી-સીપ્ઝ પાસે મેટ્રો લાઈનના ચાલી રહેલા કામ દરમિયાન ૩૦ નવેમ્બરના પાલિકાની વેરાવલી રિઝર્વિયરની ૧,૮૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનને નુકસાન થયું હતું. પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. છતાં ટેક્નિકલ અને તે ઠેકાણે રહેલા ભૌગોલિક પડકારોને કારણે સમારકામમાં લગભગ અઠવાડિયાનો સમય નીકળી ગયો હતો. જમીનની નીચે રહેલી પાઈપલાઈનમાં અનેક જગ્યાએ નુકસાન થયું હતું.

પાણીના પ્રચંડ દબાણને કારણે પાણીની પાઈપલાઈનને ખાલી કરીને પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તેને કારણે પશ્ર્ચિમ ઉપનગરમાં બાંદ્રાથી લઈને જોગેશ્ર્વરી અને પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા જેવા વિસ્તારના નાગરિકોને અઠવાડિયા સુધી પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાએ સંબંધિત ઓથોરિટીને ખોદકામ માટે મંજૂરી આપવા અગાઉ જ પાઈપલાઈન બાબતે પૂરતી માહિતી આપીને સંભાળીને કામ કરવાની સલાહ આપી હતી. છતાં કૉન્ટ્રેક્ટરે બેદરકારી દાખવીને કામ કરવાને કારણે પાઈપલાઈનને નુકસાન થયું હતું. તેથી પાલિકાને સમારકામનો ખર્ચ, વેડફાઈ ગયેલા પાણીનો ખર્ચ અને દંડ મળીને કુલ ૧,૩૩,૬૨,૪૧૨ રૂપિયા ભરવા માટેની નોટિસ મુંબઈ મેટ્રો ઓથોરિટીને મોકલી હતી. અઠવાડિયું વીતી ગયા બાદ પણ તેના તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો નથી.

પાલિકાના અધિકારીના કહેવા મુજબ પાલિકા સીધી રીતે મેટ્રોના કામ કરનારા કૉન્ટ્રેક્ટરને નોટિસ મોકલી શકે નહીં. તેથી તેણે મેટ્રો ઓથોરિટીને દંડ ભરવાને લગતી નોટિસ મોકલી હતી. જોકે તેમના તરફથી કે પછી કૉન્ટ્રેક્ટર તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો નથી. તેથી હવે તેમની સામે આકરા પગલા લેવામાં આવવાના છે, જેમાં તેમને કામ બંધ કરવાનું પણ કહેવામાં આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button