આઠ દિવસમાં કોસ્ટલ રોડ ખુલ્લો મુકાશે, પણ ડેટ ફિક્સ નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી આઠ દિવસમાં મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની દક્ષિણ તરફની બાજુ મરીન ડ્રાઈવથી વરલી સીફેસ બાજુ ખુલ્લી મૂકવા માટે તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી કોસ્ટલ રોડ ખુલ્લો મુકાય તેની રાહ જોવાઈ રહી છે ત્યારે ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે વિધાન પરિષદમાં તેની જાહેરાત કરી હતી. કોસ્ટલ રોડના ઉત્તર તરફના રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે અને આખો કોસ્ટલ રોડ મે, ૨૦૨૪ સુધીમાં કાર્યરત થઈ જશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. બહુચર્ચિચત કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કોણ કરશે એ બાબતે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
અગાઉ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે જાહેરાત કરી હતી કે વડા પ્રધા નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. પરંતુ ઉદ્ઘાટનમાં વિલંબ થવાની સાથે જ ખુલવામાં પણ વિલંબ થયો હતો. આ દરમિયાન વિધાન પરિષદમાં ઉદય સામંતે કહ્યું હતું કે કોસ્ટલ રોડનો પહેલો તબક્કો જે વરલીના બિંદુ માધવ ચોક અને મરીન ડ્રાઈવને જોડે છે, તે આઠ દિવસમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આનાથી મુસાફરીનો સમય ૭૦ ટકા અને ઈંધણનો વપરાશ ૩૭ ટકા ઘટશે. અંદાજે ૮૦ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે કોસ્ટલ રોડ પર વાહનો ચલાવી શકાશે.
કોસ્ટલ રોડ પ્રોજેક્ટ બે તબક્કામાં કરવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં ૧૦.૫૮ કિલોમીટરનો મરીન ડ્રાઈવમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સુધી અને બીજા તબક્કામાં વરલીથી કાંદીવલી સુધી રોડ બનાવવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટમાં દેશન્ી સૌથી પહેલી દરિયાની નીચે ટનલ બનાવવામાં આવી છે, જે ગિરગાંવ ચોપાટીથી નીકળીને પ્રિયદર્શની પાર્કમાં જોડાય છે. હાલ આ પ્રોજેક્ટનું ૮૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. બાકીના કામને ઝડપી બનાવવા માટે પાલિકાએ સોમવારથી શુક્રવાર સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દક્ષિણ તરફનો ભાગ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ રસ્તાના બાકીના કામ માટે વીકએન્ડમાં રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. પાલિકા કોસ્ટલ રોડને અડીને આવેલી ૭૦ હેકટર પબ્લિક ઓપન સ્પેસ માટે લેન્ડ સ્કેપિંગનું પણ પ્લાન કરી રહી છે. વરલી (બાંદ્રા-વરલી સી લિંક) સુધીને નેપિયન સી રોડ પર પ્રિયર્દશની પાર્કમાં ખુલ્લી જગ્યાએ શરૂ થશે. લેન્ડ સ્કેપ પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. લગભગ ૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ કામ ચોમાસા પછી ચાલુ થશે અને તેની ડેડલાઈન ડિસેમ્બર ૨૦૨૫ની છે.