કેન્દ્રીય બજેટ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી મોટી પ્રતિક્રિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માત્ર એટલું જ નહીં, 2019 કરતાં પણ વધુ ભવ્ય વિજય મેળવવાનો અને ફરીથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે શપથ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અબકી બાર તો થશે 400 પાર. વિપક્ષના તો આ વખતે સૂપડાં સાફ થવાના છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સમાન્ય-મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે. કોઇપણ જીવનજરૂરી વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવ્યો નથી. એ સાથે જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પાટે ચઢાવતું આ બજેટ છે. કારણ કે ઇન્ફ્રા સેક્ટરમાં પણ કોઇ ટેક્સ વધારો ઝિંકાયો નથી. એટલે ભારતની પ્રગતિ પૂરપાટ ગતિએ થઇ શકશે.
વડા પ્રધાન વિશ્વકર્મા સન્માન યોજના લૉન્ચ કરતા વખતે તેમણે વિરોધીઓએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડ્યું હોવાના આરોપોને ફગાવતા કહ્યું હતું કે આક્ષેપો કરવાં એ વિરોધપક્ષની આદત છે અને કામ પણ છે. વડા પ્રધાને 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું અને વધુ પાંચ વર્ષ આપશે એવી જાહેરાત કરી ત્યારે તો કોઇ ચૂંટણી નહોતી. આપણા વડા પ્રધાન ક્યારેય પણ જનકલ્યાણ યોજનાઓ કે પછી કોઇપણ બીજું કામ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નથી કરતા. તેઓ ફક્ત દેશ અને દેશવાસીઓને ધ્યાનમાં રાખીને ફેંસલા લે છે. આ જે દુનિયાના મોટા મોટા અર્થતંત્ર ધરાવતા દેશો મુશ્કેલ ઘડીમાં છે ત્યારે વૈશ્વિક મંદીની અસર ભારતને નથી થઇ તેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ થાય છે.