ચૂંટણીમાં એક સીટ પણ જીતી બતાવવાનો ઠાકરે જૂથને ભાજપના પ્રધાને ફેંક્યો પડકાર
મુંબઇ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) નજીક આવતા જ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રસાકસી અને નિવેદનો આપવાના શરૂ થઇ ગયા છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી બતાવવાનો પડકાર ફેંક્યો છે.
ગિરીશ મહાજને પડકાર ફેંકતા કહ્યું હતું કે બિલાડી કંઇ વાઘની ચામડી પહેરીને વાઘ ન બની શકે. આ ઉપરાંત જો હિંમત હોય તો આગામી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ એક પણ બેઠક જીતી બતાડે, તેવું આહ્વાન કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે ઉપરાંત શરદ પવાર જૂથને પણ નિશાન બનાવતા તેમણે કહ્યું હતું કે બારામતીની લોકસભા બેઠક ઉપરથી તેમનાં પુત્રી સુપ્રિયા સુળે જીતે તેની ખાતરી કરી લેજો.
મહાજન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્ર મુલાકાતને લઇને આપેલા નિવેદનનો જવાબ આપતા ઉક્ત નિવેદનો આપી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સામે નિશાન તાકતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર મહારાષ્ટ્ર રાજ્યની મુલાકાતે આવે છે, કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી હારી જશે તેવો તેમને ડર છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે યવતમાળના પ્રવાસે છે અને વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના પ્રવાસને નિશાન બનાવતા ઉદ્ધવ ઠાકરેએ ઉક્ત નિવેદન આપ્યું હતું.