ભારતીયોને લાગીને આ Pink Currency Noteની માયા, RBIએ આપી ચોંકાવનારી માહિતી…
નવી દિલ્હી/મુંબઈઃ બે હજાર રૂપિયાની સરસમજાની ગુલાબી રંગની કડકડતી 2000 રૂપિયાની નોટને લઈને ભારતીયોની માયા હજી પણ ઓછી નથી થઈ રહી એવો ચોંકાવનારો ખુલાસો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોતા થઈ રહ્યો છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2000 રૂપિયાની આશરે 91.82 ટકા જેટલી નોટ બેંકમાં પાછી આવી ગઈ છે અને હજી પણ 7,755 કરોડ રૂપિયાના મૂલ્યની નોટ ભારતય નાગરિકો પાસે જ રહી છે. આરબીઆઈ દ્વારા 19મી મે, 2023ના 2000 રૂપિયાની ગુલાબી નોટને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે 2000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટ બજારમાં હતી.
આ પણ વાંચો: દેશમાં Online Fraud ના કેસોમાં 400 ટકાનો વધારો, RBI એ જાહેર કર્યો ચોંકાવનારો ડેટા
આરબીઆઈ દ્વારા 31મી મે, 2024 બાદ આપવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો નાગરિકો પાસે હજી પણ 7,755 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી 2000 રૂપિયાની નોટ બાકી છે અને બેન્ક પાસે 97.82 ટકા નોટ પાછી આવી ગઈ છે. નાગરિકો સાતમી ઓક્ટોબર, 2024 સુધી આ 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કે બદલાવી શકતા હતા અને ત્યાર બાદ આ નોટ બદલાવવાની સુવિધા રિઝર્વ બેંકની 19 ઓફિસમાં જ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી.
આરબીઆઈની શાખામાં નોટ બદલાવવા સિવાય નાગરિકો દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસથી આરબીઆઈની કોઈ પણ ઓફિસમાં ઈન્ડિયન પોસ્ટની મદદથી 2000 રૂપિયાની નોટ મોકલાવીને બદલાવી શકે છે, એવી માહિતી પણ આરબીઆઈ (RBI) દ્વારા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 2016માં એ સમયે ચલણમાં રહેલી 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટને રદ કરીને એની જગ્યાએ 2000 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવામાં આવી હતી, પરંતુ 2023માં સરકાર દ્વારા 2000 રૂપિયાની નવી ચલણી નોટને પણ ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરી હતી.