રસપ્રદ રહેશે સોલાપુર બેઠકની જંગ
બે વિધાનસભ્યો સાંસદ બનવા માટે ઉતરશે મેદાનમાં

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈની બેઠકો ઉપરાંત નાશિક, બારામતી અને સોલાપુર જેવી બેઠકો પર પણ ચૂંટણીનો રસપ્રદ રંગ જામશે. કારણ કે સોલાપુર બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને મહાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ એક સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન રહી ચૂકેલા સુશીલકુમાર શિંદેના પુત્રી પ્રણીતી શિંદે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રણીતી શિંદે સોલાપુરના સિટી સેન્ટ્રલથી ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે જ્યારે તેમની સામે ચૂંટણીમાં ઊભા રહેલા ભાજપના ઉમેદવાર રામ સાતપુતે સોલાપુરના માલશીરસથી વિધાનસભ્ય છે. એટલે કે આ ચૂંટણી સોલાપુરમાં બે વિધાનસભ્યો વચ્ચે સાંસદ બનવાની જંગ બની રહેશે.
1998, 1998 અને 2009માં આ બેઠક પરથી પ્રણીતીના પિતા સુશીલકુમાર શિંદે વિજયી થયા હતા. જોકે, 2014 અને 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2004માં પ્રણીતીના માતા ઉજ્જ્વલા શિંદેએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, તેમને પણ જીત હાંસલ થઇ નહોતી. 2014માં આ બેઠક પરથી ભાજપના જય સિદ્ધેશ્ર્વર શિવાચાર્ય સ્વામી વિજયી થયા હતા જ્યારે 2019માં ભાજપના શરદ ભોંસલેએ અહીં જીત મેળવી હતી.