
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં વાહનોના સરઘસ વખતે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સરઘસમાં ભાગ લેનારા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો અને ‘જય શ્રી રામ’ ધ્વજ સાથેનાં વાહનોની તોડફોડ પણ કરી હતી. પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. નયાનગર પોલીસે આ પ્રકરણે હત્યાનો પ્રયાસ અને દંગલનો ગુનો દાખલ કરીને 13 જણની અટકાયત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મીરા રોડના નયાનગરમાં રવિવારે રાતે ત્રણ કારમાં 10થી 12 લોકો અને અનેક મોટરસાઇકલ પર સવાર લોકોએ સરઘસ કાઢ્યું હતું અને સોમવારે અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ પ્રસંગે તથા ભગવાન રામની સ્તુતિમાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સૂત્રોચ્ચાર કરતી વખતે અમુક લોકોએ કથિત રીતે ફટાકડા ફોડ્યા હતા, જેને લઇ સ્થાનિક લોકોનુંં ટોળું લાઠીઓ લઇને બહાર આવ્યું હતું અને સરઘસમાં સહભાગી લોકો સાથે દલીલ કરી હતી અને તેમનાં વાહનોની તોડફોડ કરી હતી. વાહનો પર જઇ રહેલા લોકોને પણ માર મારવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે દરમિયાનગીરી કરતાં હુમલાખોરો વિખેરાઇ ગયા હતા. આ ઘટના બાદ એ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રાયટ ક્ધટ્રોલ ફોર્સની પ્લાટૂનને પણ ત્યાં તહેનાત કરવામાં આવી હતી.
આ ઘટના બાદ નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો અને પોલીસે 13 જણની અટકાયત કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.