‘અટલ’ સેતુને હવે એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે અને…
મુંબઈ: શિવડીથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનું સીધું જોડાણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત નવા શરૂ થયેલા શિવડી-ન્હાવાશેવા અટલ સેતુને યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. આ માટે મેસર્સ ગવાર કન્સ્ટ્રક્શનને રૂ. ૧૦૫૩ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી એમએમઆરડીએએ આપી છે. આ ઉપરાંત, અટલ સેતુ પરથી ચાર બસની અવરજવર શરુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અટલ સેતુ એ મુંબઈથી નવી મુંબઈને ઓછામાં ઓછા સમયમાં જોડતો ૨૨ કિમીનો માર્ગ, જેમાંથી ૧૬ કિમી દરિયાઈ માર્ગ છે, તે દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. ૧૩ જાન્યુઆરીએ ખુલ્લો મુકવામાં આવેલા આ પુલને કારણે મુંબઈ-નવી મુંબઈનું અંતર ઘટી ગયું છે.
આ પછી એમએમઆરડીએએ મુંબઈના વાહનચાલકોને સીધા પુણે એક્સપ્રેસ-વે સુધી પહોંચવાની મંજૂરી આપવાનું આયોજન કર્યું છે. આ અંગેનો કોન્ટ્રાક્ટ ઓથોરિટી દ્વારા ગયા વર્ષે માર્ચમાં આપવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર ૨૦૨૩માં મેસર્સ ગવાર કન્સ્ટ્રક્શન્સને કોન્ટ્રાક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
એમએમઆરડીએ અનુસાર અટલ સેતુ ચિર્લે ખાતે સમાપ્ત થાય છે. નેશનલ હાઇ-વે ૩૪૮ માટે એક ઇન્ટરચેન્જ છે. ન્હાવા-શેવા બંદરે ત્યાંથી મોટી સંખ્યામાં ભારે વાહનો આવતા-જતા હોવાથી ટ્રાફિક જામ થવાની સંભાવના છે, તેથી આ પ્રોજેક્ટ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને વૈકલ્પિક માર્ગ પૂરો પાડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર પ્રવાસ કરવા ઈચ્છતા નવી મુંબઈના રહેવાસીઓ ટૂંક સમયમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે એવી જાણકારી નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (એનએમએમટી) દ્વારા સોમવારે આપી હતી.
એનએમએમટીના અધિકારીએ જણાવ્યું હતું કે અમે ચાર સર્વિસથી શરૂઆત કરવા માગીએ છીએ અને બે એર કન્ડિશન્ડ બસ બ્રિજ ઉપર અવરજવર કરશે. 12 જાન્યુઆરીએ અટલ સેતુનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા પછી જાહેર પરિવહનની રાહ જોઈ રહેલા લોકોએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યા હતા.
115 નંબરની બસ નેરુળથી મંત્રાલય જશે, જેમાં ખારકોપર વિસ્તાર આવરી લેવામાં આવશે. અગાઉ આ બસ ખારકોપરથી મંત્રાલય જતી હતી. હવે નેરુળથી શરૂ થઈ એમટીએચએલ માર્ગે આગળ વધશે. નેરુળથી મંત્રાલય સુધીનું 52 કિલોમીટરના પ્રવાસનું બસ ભાડું 90 રૂપિયા રહેશે.